થર્ટી ફર્સ્ટને દારુની હેરાફેરીમાં વધારો થયો છે. બોર્ડરના જિલ્લાઓમાં થઈને દારુની મોટા પ્રમાણમાં હેરાફેરી આવા દિવસોમાં થઈ શકવાની સંભાવનાને લઈ ગુજરાત પોલીસ સતર્ક બની છે. આવી જ રીતે બોર્ડરના જિલ્લાઓની પોલીસ દ્વારા પણ દારુનો જથ્થો ઝડપવામાં આવતો હોય છે. આ દરમિયાન સ્ટેટ વિજીલન્સ ટીમે દારુનો મોટો જથ્થો પ્રાંતિજ નજીકથી ઝડપી લીધો છે.
SMC ની ટીમે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા ટોલ પ્લાઝા પાસેથી દારુ ભરેલ એક ટેન્કરને અટકાવીને તેની તલાશી લેતામાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો. ટીમને બાતમી મળી હતી કે અરવલ્લી અને સાબરકાંઠા થઈને દારુનો જથ્થો અમદાવાદ તરફ આવી રહ્યો છે. જે મુજબ પ્રાંતિજ ટોલ પ્લાઝા પરથી દારુની હેરાફેરી ઝડપી લીધી હતી.
હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલા એક કેમિકલ ટેન્કરને SMC ની ટીમના અધિકારીઓએ પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર અટકાવ્યુ હતું. ટીમે ટેન્કરને ખોલવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપૂર્ણ રીતે પેક ટેન્કરને ખોલવા માટે ભારે મહેનત ટીમને કરવી પડી હતી. ટીમ દ્વારા ત્રણેક કલાકની મહેનત કર્યા બાદ ટેન્કરને ઢાંકણું ખોલવામાં સફળતા મળી હતી. જેમાંથી દારુની મોટી સંખ્યામાં દારુની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.
રાજસ્થાનના બુટલેગરોએ આ દારુને ગુજરાતમાં ઘુસાડવા માટે આ પ્રકારનો નુસખો અપનાવ્યો હતો, જેને ગુજરાત પોલીસે અસફળ કર્યો હતો. ટેન્કરની આગળ આગળ એક કાર ચાલી રહી હતી અને તે પોલીસથી બચાવ માટે પાયલોટીંગ કરી રહી હતી. પરંતુ વિજીલન્સે કાર અને ટેન્કર બંનેને ઝડપી લીધા છે. કાર અને ટેન્કર ચાલક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 7 આરોપીઓ સામે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.
Published On - 11:18 am, Wed, 20 December 23