સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં એક તરફ વેક્સિનેશન (Corona Vaccination)નો કાર્યક્રમ પુરજોશમાં ચાલી રહ્યો છે તો બીજી તરફ વેક્સિનેશનમાં ગોલમાલ સામે આવી રહી છે. કોઈને મૃત્યુ બાદ પણ વેક્સિનેશન કરી દેવામાં આવ્યુ છે તો કોઈને બીજો ડોઝ જ ના મળ્યો હોય તો પણ એક બે નહીં ચાર-ચાર ડોઝ અપાઈ ગયા હોવાના સર્ટીફીકેટ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. જોકે હવે આ ગોલમાલની તપાસ હાથ ધરવામાં આવી છે.
જીલ્લામાં અનેક એવા સેન્ટરો છે કે જ્યાં એક બાદ એક હવે વેક્સિનેશનની ગોલમાલ બહાર આવવા લાગી છે. અનેક લોકોને બીજો ડોઝ અપાઈ ગયાની જાણકારી મળી રહી છે તો કેટલાકને તો પોતાના સ્વજનને ભગવાનને વ્હાલા થયાને પણ ચાર છ મહિના વિતવા છતાં વેક્સિનેશન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું હોવાના પણ દાખલા સામે આવી રહ્યા છે. હિંમતનગર, પ્રાંતિજ સહિતના તાલુકાઓમાં આવા છબરડાં સામે આવ્યા છે.
પ્રાંતિજના પોગલુ ગામે તો અનેક લોકોના એવા દાખલા છે કે તેઓને બીજો ડોઝ બાકી હોવા છતાં તેમને વેક્સિનનો બીજો ડોઝ અપાઈ ચુક્યાના સર્ટી ઈશ્યૂ થવા લાગ્યા છે. આવી જ રીતે નરેશભાઈ પટેલની માતા ગત એપ્રિલ માસમાં કોરોનાને લઈને અવસાન પામ્યા હતા. પરંતુ હવે તેમના માતાને વેક્સિનનો બીજો ડોઝ મળ્યાનું સર્ટીફિકેટ ઈશ્યૂ થયુ છે.
પોગલુ ગામના નરેશ પટેલે કહ્યું મારા માતા ગત 30 એપ્રિલે અવસાન પામ્યા છે. અમે પરિવારજનોએ વેક્સિનનો બીજો ડોઝ મેળવવા માટે પ્રયાસ કર્યો તેમાં ખ્યાલ આવ્યો કે માતા જે અવસાન પામ્યા છે. તેમને પણ વેક્સિનનો બીજો ડોઝ મળ્યો છે. અમે આ અંગે પીચએચસીને જાણ કરી છે.
નરેશભાઈના માતા તારાબેન પટેલ કોરોનાને લઈને સારવાર દરમ્યાન અવસાન પામ્યા હતા. પરંતુ પોગલુ પીએચસી કેન્દ્ર દ્વારા 100 ટકા રસીકરણની લ્હાયમાં સ્વર્ગસ્થ તારાબેનને પણ કોરોનાની રસી આપવામાં આવી છે.
આમ 100 ટકા રસીકરણના આંકડા બતાવી વાહ વાહી મેળવવાની સ્પર્ધાની લ્હાયમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આવા આંકડા દર્શાવાતા હોવાની શંકા પેદા થઈ છે તો કેટલાકને બીજો ડોઝ આપ્યા વિના જ તેમને બંને ડોઝ અપાઈ ગયાના સર્ટી ઈસ્યૂ થયા છે. જેને લઈને બીજો ડોઝ મેળવવા આવનારને ધક્કાઓ શરુ થયા છે. જોકે હવે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તપાસના આદેશ અપાયા છે. જિલ્લાના આરસીએચઓ કક્ષાના અધિકારીઓને તપાસમાં મોકલવામાં આવ્યા છે અને સાચી વિગતોની જાણકારી મેળવવા પ્રયાસ થયો છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજેશ પટેલે કહ્યું હતુ આ અંગે અમે વિગતો મંગાવી છે અને અત્રે જિલ્લા કક્ષાએથી અધિકારીઓને મોકલીને તપાસ હાથ ધરવામાં આવશે. આ મામલે હાલમાં તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે ટેક્નિકલ હોઈ શકે છે, છતાં તપાસમાં જેની પણ ક્ષતી સામે આવશે તેની સામે કાર્યવાહી હાથ ધરાશે.
વેક્સિનેશનના ખોટા સર્ટીએ અનેક સાચા લોકોને પરેશાન કરી મુક્યા છે. અમદાવાદ કે હિંમતનગર જેવા શહેરોમાં બહાર નોકરી ધંધાએ ગયેલાઓને ત્યાં હાલ તો ઓનલાઈન ખોટા સર્ટી ઈસ્યૂ થવાને લઈને બીજો ડોઝ મળી શકતો નથી. પરિણામે હવે ધક્કાબજાર શરુ થયુ છે.