
સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના અંતરિયાળ વિસ્તારના યુવાનોમાં લશ્કરી ભરતી (Military Recruitment)નું વિશેષ આકર્ષણ છે. વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં યુવાનો લશ્કરમાં જોડાતા હોય છે. આ માટે યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે તો બીજી તરફ સરકાર દ્વારા લશ્કરી જવાન થવા ઈચ્છતા યુવાનોના તરવરાટને પ્રોત્સાહન આપવામાં આવતુ હોય છે.
આ માટે રોજગાર કચેરી દ્વારા લશ્કરી ભરતી માટે લાયક ઉમેદવારોની ફિઝિકલ કસોટી બાદ તાલીમ માટે પસંદગી કરવામાં આવતી હોય છે. પરંતુ સાબરકાંઠામાં આવા યુવાનોને યોગ્ય તાલીમ આપવામાં આવી રહી નથી. જીલ્લામાં પસંદ કરવામાં આવેલા 60 યુવાનોને હિંમતનગરની એક શૈક્ષણિક સંકુલમાં રાખીને તાલીમ આપવાની શરુઆત કરવામાં આવી છે. પરંતુ રોજગાર વિભાગ (Employment Office)ના આયોજને જાણે કે હવે યુવાનોની મુશ્કેલીઓને વધારી દીધી છે.
યુવાનોએ કહ્યું હતુ કે અમને મેદાનની તકલીફ છે, જમવાની તકલીફ વર્તાઈ રહી છે. આ અંગે અમે રજુઆત કરી છે. અમારા દિવસો બગડી રહ્યા છે, આમ જ રહ્યું તો અમે પરત ઘરે જઈને ઘરેલુ પરિસ્થિતીમાં પ્રેકટીસ કરવા મજબૂર રહીશુ. યુવાનોને દોડવા સહિતની પ્રેકટીસ કરવાની હોય છે. આ ઉપરાંત પણ શારીરીક કસરતો કરવાની હોય છે.
પરંતુ દોડવા માટે યોગ્ય મેદાન નહીં હોવાથી સમસ્યા નડી રહી છે. યુવાનોએ ભરતી થવા માટે 5 કિલોમીટર દરરોજ નિયમિત દોડવુ જરુરી છે. અહીં મેદાનમાં દોડવુ શક્ય નહીં હોવાથી છેલ્લા ચાર પાંચ દિવસથી સમસ્યા નડી રહી છે તો ભોજનની પણ સમસ્યા વર્તાઈ રહી છે.
આખરે યુવાનોએ રોજગાર કચેરી સમક્ષ રજુઆત કરી હતી તો રોજગાર અધિકારી રહેવા જમવા અને મેદાનને લઈને નિરાકરણ લાવવા માટે સ્થળ મુલાકાત લેનાર છે. આ માટે યુવાનોને તાલીમ કેમ્પની મુલાકાત લઈ યુવાનોને તાલીમમાં સુધારા કરાશે. જોકે 30 દિવસના મર્યાદીત સમયમાં એક સપ્તાહ તો માત્ર રજુઆતો કરવામાં પસાર થઈ ચુક્યુ છે.
સાબરકાંઠા જીલ્લા રોજગાર અધિકારી સીડી ચૌધરીએ કહ્યું હતુ કે અમને આ અંગે રજુઆત મળી છે. જે બાબતે સ્થળ મુલાકાત લઈને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે.