સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજમાં ધોધમાર વરસાદ શનિવારે રાત્રી દરમિયાન વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં પણ બાયડ અને ભિલોડા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. બંને જિલ્લામાં શનિવારે વરસાદ સવારથી જ સાંજ સુધી હળવા ઝાપટા રુપે વરસતો હતો. પરંતુ સાંજ બાદ મોસમ બદલાયુ હતુ. ગાજવીજની શરુઆત સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ વરસવો શરુ થયો હતો. હિંમતનગર અને પ્રાંતિજમાં પોણા કલાકથી ઓછા સમયમાં જ પોણા બે થી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
હિંમતનગર શહેરના મોટાભાગના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. પ્રાંતિજમાં પણ આ જ રીતે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જવાને લઈ સ્થાનિકોને હાલાકી વેઠવી પડી હતી. જોકે શનિવારે વરસાદી માહોલ સર્જાને લઈ ધરોઈ ડેમમાં પણ પાણીની આવક સારી નોંધાઈ હતી. રવિવારે સવારે પાણીની નવી આવકમાં વધારો થયો હતો.
શનિવારે સાંજે સાબરકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. હિંમતનગર શહેરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાત્રીના 8 થી 9 કલાકના અરસા દરમિયાન જ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પોણા કલાકથી ઓછા સમયમાં જ ધોધમાર વરસાદ વરસવાને લઈ શહેરના મોટાભાગના માર્ગો અને નિચાણ વાળી સોસાયટીઓના રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા.
હિંમતનગર શહેરમાં ટાવર ચોક, છોટાલાલ શાહ માર્ગ, પરશુરામ માર્ગ, ન્યાય મંદિર રોડ, મહાકાળી મંદિર રોડ, ગાયત્રી મંદિર રોડ સહિતના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. નિચાણ વાળા વિસ્તારોમાં તળાવો અને નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. ખેડબ્રહ્મામાં સવા બે ઈંચ અને પ્રાંતિજમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વિજયનગરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.
સાબરકાંઠાઃ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ ( સવારે 6 કલાક સુધી)
જિલ્લામાં સૌથી વધારે વરસાદ અંતિમ 24 કલાક દરમિયાન બાયડમાં નોંધાયો છે. બાયડમાં રવિવારે સવારે 6 કલાક સુધીમાં સવા ઈંચ જેટલો નોંધાયો છે. જ્યારે માલપુર અને મેઘરજમાં પોણો પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. ભિલોડામાં પણ પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. રવિવારે સવારે ભિલોડા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસ્યો હતો. સવારે મઉ, લીલછા અને ભવનાથ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
ભિલોડામાં સવારે 6 થી 8 કલાક દરમિયાન બે કલાકમાં જ પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ધનસુરામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. વહેલી સવારે ધોધમાર વરસાદને લઈ ભિલોડા અને ધનસુરાના રસ્તાઓ પર પાણી વહ્યા હતા.
અરવલ્લીઃ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ ( સવારે 6 કલાક સુધી)
Published On - 9:24 am, Sun, 9 July 23