સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી ઉર્જા વિભાગની ભરતીમાં ગોટાળા કરીને પસંદગી પામેલા કર્મચારીઓ પર તવાઈ શરુ થઈ ચુકી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યા બાદ 11 જેટલા કર્મચારીઓની અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાામાંથી ધરપકડ કરવામાં આવી હતી. હજુ પણ વધુ કર્મચારીઓ અને તેમાં સંડોવાયેલા વચેટીયાઓ પર પોલીસ કાર્યવાહીની તલવાર લટકી રહી છે. આ દરમિયાન UGVSL દ્વારા 11 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ આવીને UGVCL ની અલગ અલગ કચેરીઓ પર પહોંચીને ફરજ પરથી જ કર્મચારીઓની ધરપકડ કરીને સુરત લઈ જવાયા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે 11 કર્મચારીઓની ધરપકડ કરીને પૂછપરછ કરીને ભરતી કૌંભાડને લઈ તાર એકઠા કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આકરી કાર્યવાહી બાદ હજુ પણ અન્ય કર્મચારીઓ પર આશંકાઓ વર્તાઈ રહી છે.
જુનીયર આસીસ્ટન્ટ અને કલાર્ક વર્ગના કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. વર્ષ 2020-21 દરમિયાનની આ ભરતીમાં કેટલાક કર્મચારીઓ ગોટાળા કરીને પસંદગી પામીને નોકરી મેળવી હતી. જોકે ત્યાર બાદ ભરતી મામલાની તપાસ શરુ થઈ હતી. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી કર્મચારીઓની ભરતી કૌંભાડ દરમિયાન સામે આવતા તપાસ શરુ થઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે પ્રાંતિજ, તલોદ, હિંમતનગર અને ઈડર સહિતની કચેરીઓમાં પહોંચીને કર્મચારીઓની ધરપકડ કરી હતી.
ધરપકડ વહોરી ચુકેલા અને આગોતરા જામીન મેળવેલ 2 સહિત કુલ 11 કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ શરુઆતમાં જ UGVCL દ્વારા કર્મચારીઓને ફરજ પર હાજર નહીં કરવા માટે પગલા ભર્યા હતા. ત્યાર બાદ હવે સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે. તો વળી ભરતી કૌંભાડમાં સંડોવાયેલા અન્ય કર્મચારીઓ અને વચેટીયાઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.
વર્ષ 2020-21 દરમિયાન ઉર્જા વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી. રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા જુનીયર આસીટન્ટ ક્લાર્કની ભરતી પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષામાં ગોટાળા આચરીને કરવામાં આવી હતી. જેને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. ભરતીના દલાલોએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૌંભાડ આચર્યુ હતુ અને પસંદગીના ઉમેદવારોને પાસ કરી દેવમાં આવ્યા હતા. આમ શોર્ટકટ રીતથી ભરતીમાં ઉમેદવારોને પાસ કરાવીને નોકરી અપાવી હતી.
Published On - 9:20 am, Fri, 18 August 23