સાબરકાંઠા અને અરવલ્લી (Aravalli) જિલ્લામાં ગુરુવારે 7 મી જુલાઈએ મોડી સાંજ બાદ વરસાદ (Rain Fall) વરસ્યો હતો. દિવસ ભર ભારે બફારા ભર્યો માહોલ રહ્યા બાદ વરસાદ વરસતા મોડી સાંજ બાદ રાહત સર્જાઈ હતી. સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં ઈડર અને વડાલી વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો. રાત્રીના બે કલાક દરમિયાન જ ઈડરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે કલાક દરમિયાન વરસેલો વરસાદ અઢી ઈચ જેટલો નોંધાયો હતો. આ સમયે વડાલીમાં પણ બે ઇંચ વરસાદ બે કલાકમાં ખાબક્યો હતો. ઈડર અને વડાલી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને લઈ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો નિચાણ વાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા.
હિંમતનગર શહેરમાં પોણો ઈંચ જેટલો વરસાદ સાંજના સમયે નોંધાયો હતો. હિંમતનગરના કાંકણોલ, હડિયોલ, બેરણાં સહિત ઉત્તરીય વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો. આજે દિવસભરથી અપેક્ષા રાખવામાં આવી રહી હતી, જે મુજબ જ સાંજે મેઘ સવારી આવી પહોંચી હતી. સાબરકાંઠા જિલ્લામાં આઠમાંથી પાંચ તાલુકાઓમાં મોડી સાંજે વરસાદ વરસ્યો હતો. જેમાં વડાલી અને ઈડર આ બંને વિસ્તારોમાં તૂટી પડેલા વરસાદે વિસ્તારના લોકોને રાહત આપી હતી. તો ખેડૂતો માટે ખુશી સમાન વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઉપરના હિસ્સામાં સારો વરસાદ વરસવાને લઈને ખેડૂતોને રાહત સર્જાઈ હતી. આ પ્રકારે વરસાદ વરસવાને લઈ જળાશયોમાં પાણીની આવક થવાની આશાને પણ રાહત પહોંચી છે. હરણાવમાં 100 ક્યુસેક આવક નોંધાઈ હતી.
સાંજના સમયે અરવલ્લી જિલ્લામાં મેઘ સવારીએ ધૂમ મચાવી હતી. ગુરુવારે સાંજે બાયડ, મેઘરજ અને ભિલોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી સાંજે બે કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોને રાહત સર્જાઈ હતી. જોકે મુખ્ય મથખ મોડાસા શહેર અને આસપાસનો વિસ્તાર કોરો ધાકોર રહ્યો હતો. જ્યારે માલપુરમાં પણ હળવા ઝાપટા સ્વરુપનો વરસાદ વરસ્યો હતો. જેની સામે ભિલોડાના ઝૂમસર, મઉ અને લીલછા વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો.
ભિલોડા તાલુકામાં આવેલ શામળાજીના મેશ્વો જળાશયમાં પાણીની આવક નોંધાઈ હતી. શામળાજી અને રાજસ્થાન વિસ્તારમાં વરસાદને પગલે ડેમમાં આવક શરુ થઈ હતી. ગુરુવાર રાત્રીના નવેક વાગ્યાના અરસા દરમિયાન આવક શરુ થઈ હતી. જે એક કલાક બાદ ત્રણ ગણી આવકે પહોંચી હતી. એટલે કે 1300 ક્યૂસેકથી વધારે આવક રાત્રીના 10 વાગ્યા બાદ શરુ થઈ હતી. જે મોડી રાત્રી સુધી આ પ્રમાણની આવક જળવાઈ રહી હતી.
સાબરકાંઠા જિલ્લો
ઈડર : 65 મીમી
વડાલી: 51 મીમી
હિંમતનગર : 15 મીમી
ખેડબ્રહ્મા: 05 મીમી
પ્રાંતિજ : 10 મીમી
પોશીના : 00 મીમી
તલોદ : 00 મીમી
વિજયનગર : 00 મીમી
અરવલ્લી જિલ્લો
બાયડઃ 28
મેઘરજઃ 26
ભીલોડાઃ 20
ધનસુરાઃ 12
માલપુરઃ 02
મોડાસાઃ 00
Published On - 11:54 pm, Thu, 7 July 22