સાબરકાંઠા જિલ્લામાં બે દિવસ પહેલા ખેડૂતોના ચહેરાઓ પર ચિંતાની લકીરો જોવા મળી રહી હતી. આ દરમિયાન હવે છેલ્લા 48 કલાકમાં જ માહોલ બદલાઈ ગયો છે. ખેડૂતોના ચિંતાતૂર ચહેરાઓ હવે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અંતિમ 48 કલાક દરમિયાન એટલે કે શનિવાર અને રવિવારે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. તલોદ અને પ્રાંતિજમાં જળબંબાકાર સ્થિતિ મેઘરાજાએ સર્જી દીધી છે.
ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળે વરસાદ ધોધમાર વરસ્યો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ સહિત સાબરકાંઠામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેને લઈ વિસ્તારમાં ખેડૂતોને ખેતીમાં સિંચાઈની સમસ્યામાં રાહત સર્જાઈ છે.
રવિવારે અંતિમ ચોવીસ કલાક દરમિયાન મેઘરાજાએ તલોદ અને પ્રાંતિજ વિસ્તારમાં ખેડૂતોને ખુશ કરી દીધા હતા. જે ખેડૂતો બે દિવસ અગાઉ પાણી વિના પાક ખતમ થઈ જવાની ચિંતા સતાવી રહ્યા હતા, એ જ ખેડૂતો હવે વધુ વરસાદથી પાકમાં નુક્શાન ના થાય એની ચિંતા સતાવવા લાગ્યા છે. જોકે ખાસ કરીને પ્રાંતિજ અને તલોદ વિસ્તારના ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં મોટી રાહત સર્જાઈ ગઈ છે.
તલોદ વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 210 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે સાડા આઠ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે પ્રાંતિજ વિસ્તારમાં 171 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો, એટલે કે પ્રાંતિજ વિસ્તારમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મુખ્ય મથક હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ સારો નોંધાયો હતો. હિંમતનગરમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વિજયનગરમાં સાડા ત્રણ ઈંચ અનવે વડાલીમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્મામાં પોણા ત્રણ ઈંચ અને ઈડરમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. પોશિનામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
(આંકડા સોમવારે સવારે 6.00 કલાકની સ્થિતિ મુજબ)
Published On - 8:05 am, Mon, 18 September 23