
હિંમતનગરમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકે સગીરાઓની સાથે શારીરીક અડપલાઓ કર્યાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ હવે પોશીના તાલુકામાં આવી જ ઘટના સામે આવી છે. પોશીના તાલુકાના સાધુ ફળો પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા સગીરાને શારીરીક અડપલા કર્યા હોવાની વિગતો સામે આવી છે. સગીરાએ ઘરે પોતાના પરિવારને હેવાન શિક્ષકની હરકતોની જાણ કરતા પરિવારજો અને ગ્રામજનો શાળાએ પહોંચ્યા હતા.
ઘટના અંગે હવે પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહીની તપાસ શરુ કરી છે. પોશીના તાલુકાની આ ઘટનાએ શિક્ષણ જગતને કલંકીત કરી મુકનારી છે. જેની પર પિતા સમાન ભરોસો છે, એ જ ગુરુએ ભરોસો તોડી દીધો છે. પોશીના પોલીસે હવે ઘટના અંગે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બીજી તરફ શિક્ષક ગામ છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે.
પોશીના તાલુકાના સેબલિયા વિસ્તારની સાધુ ફળો પ્રાથમિક શાળામાં બે દિવસ પહેલા સાંજના સમયે આ ઘટના ઘટી હતી. શાળાના આચાર્યએ સગીરાને બાથમાં લઈને શારીરિક અડપલા કર્યા હતા અને જેને લઈ હેવાન ગુરુની બાહુપાશમાંથી છુટવા માટે સગીરાએ બુમાબુમ કરી હતી. સગીરાએ ઘટના અંગે પોતાના પરિવારને જાણ કરતા મામલો પોશીના પોલીસ સ્ટેશન મથક પહોંચ્યો હતો. સગીરાના પિતાએ આચાર્ય સામે પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોધાવી છે.
કોટડાગઢીમાં રહેતો શાળાનો આચાર્ય પરિમલ જગજીવન ખરાડીએ 14 ઓગસ્ટે સાંજના સમયે શાળામાં હતો. વિસ્તારની એક સગીરાની સાથે અડપલા કર્યા હતા. માતા ઘરે ના હોઈ અને પિતા ઉપરના માળે કામ કરતા હોવાના લઈ એકલતાનો લાભ લઈ આચાર્ય પરિમલ ખરાડીએ સગીરાને અડપલા કરવા પ્રયાસ કર્યો હતો.
સગીરાને શાળાના રુમમાં ખેંચી જવા માટે પ્રયાસ કરતા આચાર્ય પરિમલે ચોકલેટની લાલચ આપી હતી. આ દરમિયાન તેણે સગીરાને બાથમાં પકડીને શારીરિક અડપલા કર્યા હતા. આમ આચાર્યથી બચવા માટે સગીરાએ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી તેણે સગીરાને છોડી મુકી હતી. બીજી તરફ પુત્રીના અવાજથી દોડી આવેલ પિતાએ પુત્રીને હેવાનથી બચાવી હતી. સગીરાએ ઘરે પહોંચીને વિગતે આચાર્યની હરકત અંગે જાણ કરી હતી.
આચાર્ય પરિમલ ખરાડીએ આબરુ નહીં કાઢવા માટે જણાવીને 10 હજાર રુપિયા આપવાની વાત કરી હતી. જોકે સગિરાના પિતાએ કાર્યવાહી કરવાનુ કહેતા જ આચાર્ય શાળાએથી ભાગી ગયો હતો. વાત ગામમાં પ્રસરતા જ ગામના લોકો પણ શાળાએ એકઠા થયા હતા અને મામલાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાઘપુર ગામના પરિમલ જગજીવન ખરાડી સામે પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરવા માટે કાર્યવાહી શરુ કરી છે.
Published On - 11:03 pm, Wed, 16 August 23