Sabarkantha:હિંમતનગર નજીકથી 270 કિલો માદક પદાર્થ LCB ટીમે ઝડપ્યો, કાર સાથે કિશોર ઝડપાયો

સાબરકાંઠા LCB ટીમ પેટ્રોલિંગમાં હોવા દરમિયાન શંકાસ્પદ કાર પર નજર પડતા જ તેને પકડવા માટે પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈ કારના ચાલકે સાબરડેરી થી તલોદ સ્ટેટ હાઈવે પર હંકારી મુકી હતી.

Sabarkantha:હિંમતનગર નજીકથી 270 કિલો માદક પદાર્થ LCB ટીમે ઝડપ્યો, કાર સાથે કિશોર ઝડપાયો
કાર સાથે કિશોર ઝડપાયો
| Updated on: Jul 21, 2023 | 7:36 PM

સાબરકાંઠા LCB ટીમ પેટ્રોલિંગમાં હોવા દરમિયાન શંકાસ્પદ કાર પર નજર પડતા જ તેને પકડવા માટે પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈ કારના ચાલકે સાબરડેરી થી તલોદ સ્ટેટ હાઈવે પર હંકારી મુકી હતી. પોલીસને પાછળ જોઈને ગઢોડા પાસે કાર સીંગલ પટ્ટી રોડ પર હંકારી મૂકી હતી. આગળ જતા રસ્તો બંધ થઈ જતા ચાલક કારને મુકીને ખેતરોમાં દોટ મુકીને ભાગી છૂટ્યો હતો. કારમાંથી પોલીસને પોશડોડાનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો.

કાર મુકીને ચાલક અને તેનો સાથે ખેતરમાં ભાગી છૂટ્યા બાદ પોલીસ પણ તેની પાછળ ખેતરોમાં દોટ લગાવતા એક કિશોર પોલીસને હાથ લાગ્યો હતો. જે કારમાં ચાલકની સાથે હતો. જેણે પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જ આરોપી ચાલકનુ નામ જણાવતા જે અંગેની તપાસ શરુ કરી હતી. કિશોરે કારમાં પોશડોડાનો જથ્થો હોવાનુ પણ શરુઆતમાં જ જણાવ્યુ હતુ. પોલીસે આરોપી ચાલક યુવકને ઝડપી લેવા માટે કાર્યવાહી તેજ કરી દીધી છે.

18 કોથળમાં 270 કિલો જથ્થો

આરોપી કાર ચાલક ફરાર થયા બાદ પોલીસ ટીમના અન્ય કર્મચારીઓએ કારને કોર્ડન લીધી હતી. આરોપીનો પીછો કર્યા બાદ પોલીસે કાર પાસે આવીને તલાશી લેતા જેમાં પોશડોડાનો જથ્થો કારમાંથી મળી આવ્યો હતો. કારમાં કાળા રંગના કોથળામાં પોશડોડાનો જથ્થો ભરેલો હતો. 18 જેટલા જુદુ જુદા કોથળાઓમાં પોશડોડાનો જથ્થો ભરેલો હતો.

કોથળામાંથી 270 કિલોગ્રામ જેટલો પોશડોડાનો જથ્થો હોવાનુ સામે આવ્યુ હતુ. જેની કિંમત 8 લાખ 21 હજાર રુપિયા જેટલી અંદાજવામાં આવી છે. પોલીસે પોશડોડાનો જથ્થો જપ્ત કરીને આરોપીને ઝડપી લેવા માટે કાર્યવાહી શરુ કરી છે.

મધ્યપ્રદેશથી ગુજરાતમાં લવાયો જથ્થો

કિશોરે પોલીસને પૂછપરછ દરમિયાન અનેક વિગતો ખોલી હતી. કિશોરે બતાવ્યુ હતુ કે પોશડોડાનો જથ્થો મધ્યપ્રદેશના નિમચથી લઈને આવ્યા હતા. નિમચથી કારમાં જથ્થો ભરીને ગુજરાતમાં આવવા દરમિયાન હિંમતનગર નજીક પોલીસને નજર કાર પર પડી હતી. જેને લઈ પોલીસે તેનો પીછો કર્યો હતો. પીઆઈ એજી રાઠોડ અને એસજે ચાવડાની ટીમે હવે આરોપી વિક્રમ જાટ રહે નોખડા જી. બાડમેરની શોધખોળ હાથ ધરી છે. બે મોબાઈલ પોલીસને હાથ લાગ્યા છે. જેમાંથી વિગતો નિકાળવા માટે પ્રયાસ શરુ કર્યો છે.

 

આ પણ વાંચો :  Virat Kohli Batting: સચિન, ધોની, પોન્ટિંગ ના કરી શક્યા એ કામ વિરાટ કોહલીએ કરી દેખાડ્યુ, 500મી મેચમાં તેંડુલકરને છોડશે પાછળ

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:59 pm, Fri, 21 July 23