રાજસ્થાનમાં હાલમાં ચુંટણી પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે.રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ થી લઈ મુખ્યપ્રધાન અશોક ગેહલોત ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. આગામી 25 નવેમ્બરે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ માટે રાજસ્થાનમાં સુરક્ષા બંદોબસ્ત ચૂસ્ત દાખવવામાં આવશે. ગુજરાતથી રાજસ્થાનની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થાનો હિસ્સો બનવા માટે હોમગાર્ડ જવાનો રવાના થયા છે.
ચૂંટણીને લઈ પાડોશી રાજ્યમાંથી સુરક્ષા વ્યવસ્થામાં હિસ્સો બનવા રુપ ગુજરાતના હોમગાર્ડના જવાનોને મોકલવા માટે ખાનગી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી 18 જેટલી ખાનગી બસો દ્વારા હોમગાર્ડના જવાનોને પાડોશી રાજ્યમાં મોકલવામાં આવ્યા હતા.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 1000 કરતા વધારે હોમગાર્ડ જવાનો રાજસ્થાન 18 જેટલી બસ મારફતે રવાના થયા છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાંથી 600 કરતા વધારે અને અરવલ્લી જિલ્લામાંથી 500 કરતા વધારે હોમગાર્ડ જવાન રાજસ્થાન પહોંચ્યા છે. બંને જિલ્લામાંથી રવિવાર અને સોમવારે હોમગાર્ડ જવાનો રવાના થયા હતા. જે ચુંટણી પ્રક્રિયામાં સુરક્ષા ફરજ નિભાવીને 27 નવેમ્બરે ગુજરાત પરત ફરશે. સાબરકાંઠા જિલ્લાના હોમગાર્ડ જવાનો સિરોહી, જોધપુર ગ્રામ્ય અને ડુંગરપુર જિલ્લામા ફરજ સંભાળશે.
સાબરકાંઠા જિલ્લામાંથી 8 જેટલી ખાનગી બસ મારફતે જવાનોને રવાના કરવામા આવ્યા હતા. જ્યારે અરવલ્લી જિલ્લામાંથી 10 ખાનગી બસ મારફતે જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. જવાનો સાથે હોમગાર્ડના અધિકારીઓને પણ ચૂંટણી ફરજની સેવા માટે રવાના કરવામાં આવ્યા હતા.
ગુજરાતના હોમગાર્ડ જવાન અગાઉ પણ અનેક ચૂંટણીઓમાં ફરજ બજાવી ચૂક્યા છે. ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓ ઉપરાંત અન્ય રાજ્યની ચૂંટણીઓને લઈને પણ ગુજરાતના હોમગાર્ડ જવાનો ફરજ બજાવી ચૂક્યા છે. ગુજરાતની રિઝર્વ પોલીસ ફોર્સ પણ અનેકવાર ચૂંટણીઓને લઈ અન્ય રાજ્યમાં ફરજ નિભાવી ચૂકી છે.
Published On - 10:44 pm, Tue, 21 November 23