હિંમતનગર શહેરમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન અપાવવાનું કહીને મહિલાઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે.શહેરમાં રહેતી કેટલીક મહિલાઓને પ્રધાનમંત્રી મુદ્રા લોન આપવાનું કહીને છેતરપિંડી આચરી છે. મુદ્રા લોનને બદલે મોબાઈલની લોન બારોબાર જ કરીને છેતરપિંડી આચર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
મહિલાઓને મુદ્રા લોન અપાવવાનું કહીને વાતોમાં ભોળવે કોઈ તો સો વાર ચકાસણી કરી લેશો. નહીંતર તમારે પણ છેતરપિંડીનો ભોગ બનવુ પડશે. હિંમતનગરમાં આવું જ કેટલીક મહિલાઓ સાથે બન્યુ છે. જેઓ લેવા ગયા હતા સબસીડી સાથેની મુદ્રા લોન અને અને તેમની જાણબહાર મોબાઈલની લોન થઇ ગઈ છે. જેના હપ્તા પણ હવે તેમના નામે શરુ થઇ ચૂક્યા છે.
હિંમતનગર શહેરમાં જલારામ મંદિર રોડ પર રહેતી એક મહિલા નિલ્પા શાહે પ્રધાનમંત્રી મુદ્રા લોન લેવા માટે ઇચ્છા દર્શાવી હતી. મોડાસા કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીની પત્નિએ વિસ્તારમાં કેટલીક મહિલાઓએ આ રીતે સંજય પટેલ પાસેથી લોન મેળવી હોવાની વાતો જાણીને પોતાની લોનની કાર્યવાહી શરુ કરી હતી.
આ માટે સંજય પટેલ તરીકેની ઓળખ આપીને એક એજન્ટ યુવકે તેમને પ્રધાનમંત્રી મુદ્રા લોન અંગેની સમજણ આપી હતી. ત્યાર બાદ આ અંગેની કાર્યવાહી માટે જરુરી દસ્તાવેજ અને તેમના ફોટા મેળવીને ફોર્મ ભરાવ્યુ હતુ. જેના થકી નિલ્પા શાહને ત્રણ લાખની લોન મળશે એમ જણાવેલ. જેની સામે તેઓએ અડધી રકમ જ ભરવાની થશે અને બાકીની રકમ સબસીડી મળશે.
આ દરમિયાન એક દિવસ સંજય પટેલે ફોન કરીને કહ્યુ કે, તમારે લોન માટે ક્વોટેશન રજૂ કરવું પડશે, આ માટે તમે શહેરમાં દુર્ગા મીલ પાસે આવેલ કબીર વર્લ્ડ મોબાઈલ શો રુમમાં જઈને તે ડોક્યુમેન્ટ લઈ આવશો. જ્યાં પહોંચતા મહિલાને મોબાઈલ સાથેનો ફોટો પડાવીને તે બોક્સ પાછુ મેળવી લીધેલ. જ્યાં ઓટીપી સહિતની જાણકારી તેમની પાસેથી મેળવીને સંજય પટેલે કહ્યુ કે, હવે ક્વોટેશન મળી જશે.
જોકે બાદમાં ફરીથી મહિના પછી ફોન આવ્યો અને ફરી મોબાઇલના શો રુમમાં મોકલેલ. જ્યાં ફરીથી અગાઉની જેમ જ નવો મોબાઈલ તેમના હાથમાં પકડાવીને ફોટો પાડીને પ્રોસેસ કરી હતી. આમ બે દિવસમાં લોનની પ્રોસેસ થઈ જશે જણાવેલ.
થોડાક સમય બાદ શહેરમાંથી તેમના પરિચયમાંથી મીત્તલ નાયી અને ભાવીની જોષી સહિતની મહિલાઓના ફોન આવ્યા કે, તેમના બધા સાથે છેતરપિંડી થઈ છે. તેમના નામે મોબાઈલ લોન લઈ લેવામાં આવી છે. આમ નિલ્પા શાહના નામે પણ 66 હજારના બે ફોનની લોન લીધેલ હતા. આમ તેમને લોન કે સબસીડી તો દૂર રહી મોબાઈલ પણ ના મળ્યા અને હવે હપ્તા શરુ થવાની સ્થિતિ સર્જાઈ છે.
Published On - 4:24 pm, Sun, 28 January 24