સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કણાદર ગામે ફાયરીંગ થયાની ઘટનાની પોલીસને જાણકારી મળી છે. પોલીસને જાણકારી મળતા જ ઘટના સ્થળે મોટો કાફલો દોડી ગયો હતો. રાત્રી દરમિયાન બે રાઉન્ડ ફાયર કર્યા હોવાની ચિઠોડા પોલીસને કણાદર ગામના ખેડૂત પરિવારના સુરજી નિનામાએ જાણકારી આપી હતી. ઘટનાને પગલે પોલીસ દ્વારા પોલીસની ટીમો કણાદર ગામે પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સવારે હવે પોલીસ દ્વારા હવામાં ફાયરીંગ કરવાના મામલે હવે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવશે.
રાત્રી દરમિયાન પોલીસ દ્વારા અંધારામાં ડુંગરાળ વિસ્તારના ખેતરોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ સમક્ષ સુરજીભાઈએ પોતાના પુત્ર પર હુમલો કરવા માટે ગોળીબાર કર્યો હોવાનો પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો. ઘટનામાં પાળેલા કૂતરાને ગળાના ભાગે ગોળી વાગી હોવાનુ પોલીસને દર્શાવ્યુ હતુ.
ઘટના અંગે આક્ષેપ કરનારા સુરજીભાઈ નિનામાએ TV9 સાથે વાતચીત કરતા બતાવ્યુ હતુ કે, રાત્રીના અગીયારેક વાગ્યાના અરસા દરમિયાન ચાર-પાંચ શખ્શો ધસી આવ્યા હતા. અંધારામાં ધસી આવેલા શખ્શો પૈકી કોઈએ મારા ઘર પર ગોળીબાર કર્યો હતો. જેમાં એક રાઉન્ડ હવામાં ગોળીબાર કર્યો હતો અને બીજો રાઉન્ડ મારા પુત્ર તરફ કર્યો હતો. જે રાત્રી દરમિયાન પૂજા ધ્યાન કરતો હતો. જોકે સદનસીબે આ ગોળી મારા પુત્રને વાગવાને બદલે કૂતરાને વાગી હતી.
પાળેલા કૂતરાને ગોળી વાગતા તેને ગળા ભાગે ઈજા પહોંચી હોવાનુ સુરજીભાઈએ બતાવ્યુ હતુ. તેઓ કૂતરાને બચાવી લેવા માટે સારવાર શરુ કરી છે. આ ઘટના બાદ તેઓએ સ્થાનિક ચિઠોડા પોલીસ તેમજ જિલ્લા પોલીસને જાણ કરી હોવાનુ બતાવ્યુ હતુ. સુરજી ભાઈએ બતાવ્યુ હતુ કે આ અંગે પોલીસે તેમને બતાવ્યુ હતુ કે, એસપીને વાત કરીને આગળની દીશામાં તપાસ શરુ કરીશુ.
ફાયરીંગનો આક્ષેપ કરનારા સુરજીભાઈએ બતાવ્યુ હતુ કે, અમે ખેતરમા ઘર ધરાવીએ છીએ. જ્યાં નજીકમાં રહેતા પરીવારના જ શખ્શોએ અમારી પર હુમલો કર્યો હોઈ શકે છે. કારણ કે અગાઉ ત્રણેક વર્ષ પહેલા અમારે ઘર્ષણ સર્જાયુ હતુ અને પોલીસ ફરીયાદ નોંધાઈ હતી. જેનો કેસ ઈડર કોર્ટમાં હાલમાં ચાલુ છે. આમ આવી સ્થિતીને લઈ અમારા પુત્ર પર હુમલો કરવાનો ઈરાદો હોઈ શકે છે. જોકે હવે પોલીસ દ્વારા ફાયરીંગને ઘટનાને વાસ્તવિકતા તપાસવા માટે કાર્યવાહી શરુ કરશે. આ માટે ફોરેન્સીક તપાસ પણ હાથ ધરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:51 am, Sun, 16 April 23