ગુજરાતના ડેમ (Dam) માં પીવાલાયક પાણીનો માત્ર 30 ટકા જથ્થો જ બચ્યો છે. જેમાં સૌથી વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાત( Gujarat) ના ડેમોની છે. જ્યારે કચ્છમાં 8.47 ટકા, દેવભૂમિ દ્વારકાના ડેમમાં માત્ર 2.35 ટકા જ પાણી છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીના જીવંત સંગ્રહની ક્ષમતાના 19.46 ટકા પાણી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામડાઓમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. અંદાજે 40 જેટલા ગામમાં રોજના 115 કરતા વધુ ટેન્કરના ફેરા મારીને અત્યારે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીનો જીવંત સંગ્રહ માત્ર 7 ટકા છે, એમાંય સાબરકાંઠામાં 3.50 ટકા, બનાસકાંઠામાં 4.77 ટકા, અરવલ્લીમાં 5.47 ટકા અને મહેસાણામાં 9.95 ટકા જીવંત પાણીનો સંગ્રહ બચ્યો છે.
એક મહિના પહેલાં ગુજરાતના ડેમમાં કુલ જળસંગ્રહ ક્ષમતાના 50 જ પાણી ઉપલબ્ધ હતું. તેમાંય રાજ્યના 50 ટકા જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી હતું. આખા રાજ્યમાં માત્ર એક જ ડેમમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. જ્યારે નર્મદા ડેમમાં 53 ટકા જેટલો પાણીનો જથ્થો હતો. રાજ્યમાં સૌથી વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાતમાં છે.
ઉત્તર ગુજરાતના જળાશયોમાં ફક્ત 14 ટકા પાણીનો જથ્થો હતો. જે પૈકી માત્ર 9 ટકા પાણીનો જથ્થો જ ઉપયોગમાં લઈ શકાય તેટલો હતો. મધ્ય ગુજરાતના ડેમમાં 44.17 ટકા પાણી ઉપલબ્ધ હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 13 ડેમમાં 60 ટકાથી વધુ પાણીનો જથ્થો હતો. કચ્છમાં 19 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 37.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. જ્યારે રાજ્યમાં વહેલા વરસાદની હવામાન વિભાગ ની આગાહી રાહત જનક છે. પરંતુ વરસાદ ખેંચાય તો પાણીનો પોકાર વિકટ બની શકે છે.
ગુજરાતમાં અત્યારે 70 ટકા કે તેથી નીચે પાણી હોય તેવા ડેમની સંખ્યા 203 છે. ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થશે તો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડશે.હવામાન વિભાગના કહેવા મુજબ, આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે. દક્ષિણ-પશ્ચિમી ચોમાસું 15મી મે આસપાસ આંદામાન અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી જશે.
Published On - 6:39 pm, Tue, 31 May 22