અમદાવાદ થી રાજસ્થાન આવન જાવન કરતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. અમદાવાદ થી હિંમતનગર (Himmatnagar) બ્રોડગેજ રેલવે ટ્રેનને ડુંગરપુર સુધી લંબાવવામા આવી છે. ડુંગરપુર થી અમદાવાદ (Ahmedabad to Dungarpur Railway) સુધીની પ્રથમ ટ્રેન હિંમતનગર થઇને અમદાવાદ પહોંચી હતી. આ સાથે જ હવે અમદાવાદ થી પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી (Shamlaji) ની સફર રેલ્વે મારફતે કરવી સરળ બનશે. ઉપરાંત ડુંગરપુર અને બીંછીવાડા સહિતના રાજસ્થાનના પ્રવાસીઓ જે રોજગારી માટે અમદાવાદ અને હિંમતનગર વિસ્તારમાં સ્થાયી થયા છે. તેઓને મુસાફરીની સમસ્યામાં રાહત સર્જાઇ છે.
આ પહેલા ઉદયપુર થી વાયા ડુંગરપુર અને હિંમતનગર થઇને અમદાવાદ રેલ્વે લાઇન મીટરગેજ હતી. જેને બ્રોડગેજમાં રુપાંતરીત કરવા માટે રાજસ્થાન અને ગુજરાતના સ્થાનિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઇ જ ઉકેલ આવી રહ્યો હતો. પરંતુ છેલ્લા 7 વર્ષ દરમિયાન આ રેલ્વેના ગેજ રુપાંતરને ભારત સરકારે મંજૂરી આપીને કાર્યને ઝડપી બનાવ્યુ હતુ. જેના ફળસ્વરુપે હવે રાજ્સ્થાનના ડુંગરપુરથી પ્રથમવાર અમદાવાદ ટ્રેન પહોંચવા સાથે નવી શરુઆત થઇ છે
ડુંગરપુર થી પ્રથમ રેલવે ટ્રેન આજે શામળાજી રોડ અને રાયગઢ થઈને હિંમતનગર પહોંચતા સ્થાનિક લોકોએ હર્ષભેર વધાવી હતી. સાબરકાંઠા સાંસદ સહિત અગ્રણીઓ ડુંગરપુરથી રેલવેમાં મુસાફરી કરી હિંમતનગર સુધી આવી પહોંચ્યા હતા. તેઓએ રસ્તામાં મુસાફરો અને સ્ટેશન પર લોકોના અભિવાદનને ઝીલવા સાથે લોકોના અનુભવોને જાણવાનો પ્રયાસ કર્યો હતો.
સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડે Tv9 સાથે વાત કરતા કહ્યુ હતુ કે, આ દાયકાઓ જૂનો એક પ્રશ્ન હતો, પરંતુ વડાપ્રધાને આપેલી ભેટ સમાન આ યોજના શરુ થઇ શકી છે અને હવે નવા ગેજ વડે બે રાજ્યનો જોડાણ સરળ બન્યુ છે. બંને રાજ્યોના પ્રવાસીઓને ઝડપી રેલ સેવાનો લાભ નવી લાઇન થકી મળ્યો છે. જે આગામી દિવસોમાં દિલ્હી-મુંબઇને સીધો જોડશે એવી આશા છે. હાલમાં ડુંગરપુર થી અમદાવાદ સેવા શરુ કરાઇ છે હવે તે છ માસ બાદ ત્રીજા તબક્કામાં ઉદયપુર સાથે જોડાઇ જશે. દિપસિંહ રાઠોડે બ્રોડગેજ રેલ્વેનુ સ્વપ્નુ પુરુ કરવા ખૂબ જહેમત કેન્દ્ર સરકારમાં ઉઠાવી હતી.
અમદાવાદ ઉદયપુર રેલવે લાઈન હાલમાં તબક્કાવાર મીટરગેજમાંથી બ્રોડગેજમાં રુપાંતર થઈ રહી છે. જેનો પ્રથમ તબક્કો અમદાવાદથી હિંમતનગર વચ્ચે શરુ થયો હતો અને હવે બીજા તબક્કામાં ડુંગરપુરથી અમદાવાદ વચ્ચે રેલવે સેવા શરુ કરવામાં આવી છે. પ્રસિદ્ધ શામળાજી મંદિરના દર્શન કરવાના રુટને સાંકળી લેતી આ ટ્રેનના રુપમાં શામળાજી રોડનુ સ્ટોપેજ પણ સામેલ છે. જેને લઇ હવે ટીટોઇ નજીક આવેલા શામળાજી રોડના રેલ્વે સ્ટોપેજ થી ટૂંકા અંતરની વાહન મુસાફરી થી શામળાજી મંદિરે પહોંચી શકાશે.
ડુંગરપુર થી હિંમતનગર સુધી પ્રવાસ કરનાર પ્રથમ પ્રવાસીઓના સમુહ પૈકીના તુષાર પટેલ અને અસીમ પટેલે પોતાના આનંદનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે પ્રથમ વાર ટ્રેનનો રુટ શરુ થતો હોઈ અમે પ્રથમવાર યાદગાર પ્રવાસ કરવા સારું ડુંગરપુર થી હિંમતનગરની મુસાફરી કરી છે. ખૂબ ખુશીઓની લાગણી વ્યક્ત થઇ રહી છે.
સપ્તાહમાં 06 દિવસ આ ટ્રેન અમદાવાદ થી ડુંગરપુર વચ્ચે દોડશે. જેમા સવારે અમદાવાદ થી ઉપડનારી આ ટ્રેન બપોરે ડુંગરપુર પહોંચશે. ત્યાર બાદ તે ડુંગરપુર થી પરત અમદાવાદ પહોંચશે. ગાંધીનગર જિલ્લાના દહેગામ સાબરકાંઠાના તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર થઇને અરવલ્લી જિલ્લાના શામળાજી રોડ, લુસડીયા સ્ટેશન જેવા સ્થળો પર ટ્રેન રોકાશે. અમદાવાદ ડુંગરપુર વચ્ચેનો સમય ટ્રેન ચાર કલાક જેટલા સમયમાં કાપશે.
Published On - 10:26 pm, Sat, 15 January 22