સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બાઈકના સ્ટંટ કરી રીલ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા શખ્શ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગરના યુવાને સ્ટંટ કરીને રસ્તા પર પોતાનો જીવ જોખમમાં મુકીને રીલ બનાવવાને લઈ સોશિયલ મીડિયા દ્વારા એક વ્યક્તિએ કાર્યવાહીની માંગ કરી હતી. જેને લઈ હિંમતનગરના બી ડિવીઝન પોલીસ મથકમાં રીલ બનાવનારા યુવક વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને તેની મોંઘીદાટ બાઈકને પોલીસે ડિટેઈન કરી કાર્યવાહી હાથ ધરી હતી.
હિંમતનગરના વેપારી યુવકને રીલ બનાવવાનો શોખ છે. પરંતુ તેને શોખ ભારે પડી ગયો છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર અવનવા રીલ શેર કરતો રહે છે. પરંતુ જોખમી બાઈક સ્ટંટ કરવાને લઈ પોલીસની નજરમાં વિડીયો લાવવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરીને દાખલો બેસાડ્યો હતો. પોલીસે અંદાજે 17 લાખની કિંમતની બાઈકને હવે ડિટેઈન કરી લીધી છે.
જાહેર માર્ગ પર બેફામ રીતે બાઈક ચલાવવામાં આવતો હોવાનો વિડીયો આવી જ રીતે રીલ બનાવનાર યુવક પ્રકાશ ખત્રીએ શેર કર્યો હતો. જેને સોશિયલ મીડિયા પર પ્રફુલ વ્યાસ નામના વ્યક્તિએ જોઈને સાબરકાંઠા પોલીસ અધિક્ષકને ધ્યાને મુક્યો હતો. સાબરકાંઠા SP એ મામલાને લઈ કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસને સૂચના કરવામાં આવી હતી.
પ્રકાશ ખત્રી પોતાની 17 લાખની અંદાજીત કિંમતની મોંઘી ઈમ્પોર્ટેડ બાઈક હાયાબુઝાને જોખમી રીતે ચલાવી રહ્યો હોવાનુ વિડીયોમાં જોવા મળ્યુ હતુ. બાઈકને ખુલ્લા હાથે અને બેફામ રીતે પૂરઝડપે હંકારીને તેનો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોને તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેની પર તેના ફોલોઅર્સ દ્વારા જોઈને ખરાબ અસર ફેલાવવાની સંભાવનાને જોઈ પોલીસને જાગૃત નાગરીકે રજૂઆત કરતા કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સુઝુકી કંપનીની ઇમ્પોર્ટેડ હાયાબુઝા બાઈકને ડિટેઈન કરી લીધુ હતુ. બી ડિવિઝન પોલીસે પ્રકાશ રાણલાલ ખત્રીની સામે એમવીએક્ટ અને આઈપીસી મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સમાજમાં દાખલો બેસાડવા રુપ પ્રકાશ ખત્રી સામે કાર્યવાહી કરી હોવાનુ પોલીસે જણાવ્યુ હતુ.
Published On - 8:54 pm, Tue, 13 June 23