સાબરકાંઠા સહકારી બેંકના ચેરમેન સહિત 11 ડિરેક્ટરોના ઉમેદવારી ફોર્મ રદ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં આ નિર્ણય સાથે જ ખળભળાટ મચી જવા પામ્યો છે. 8 વર્ષથી વધુ બેંકમાં ડિરેક્ટર પદે રહી શકાય નહી એ કાયદા હેઠળ વાંધો રજૂ કરવામાં આવતાં ચૂંટણી અધિકારીએ સોમવારે આ નિર્ણય કર્યો હતો. બેંકના વર્તમાન ચેરમેન મહેશ પટેલ સહિત 11 ડિરેક્ટરોના ઉમેદવારી પત્રોને રદ કરી દેવામાં આવ્યા છે. આમ હવે સાબરકાંઠા બેંકમાં નવા ચહેરાઓ સત્તામાં જોવા મળશે.
યુવા ઉમેદવાર રવિ પટેલે વાંધો ઉઠાવતા ચૂંટણી અધિકારી સામે તમામ વર્તમાન ડીરેક્ટરો કે જેમને 8 કે તેથી વધુ વર્ષ બેંકમાં પદ પર રહ્યાના પૂર્ણ થયા છે, તેમને દૂર કરવા માટે રજૂઆત કરી હતી. લેખીત રજૂઆત કરવા સાથે રવિ પટેલે કેટલાક ઉદાહરણો પણ પુરા પાડ્યા હતા. જેને લઈ તમામ ડિરેક્ટરો અને વર્તમાન ચેરમેને પોતાના તરફથી દલીલો રજૂ કરી હતી. જોકે આ દલીલોમાં તેઓ પોતાની ઉમેદવારી ટકાવી રાખવામાં સફળ રહ્યા હતા.
ધ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 10 (A) 2 (A) ની મુજબ વાંધો દર્શાવેલ ઉમેદવારો ગેરલાયકાત ધરાવતા હોઈ ઉમેદરવારી ફોર્મ રદ કરવા માટે અરજી કરવાાં આવી હતી. સાબરકાંઠા બેંકમાં પ્રથમ વાર જ ઉમેદવારી કરી રહેલા 25 વર્ષના યુવાને વર્ષોથી સહકારી રાજકારણમાં સિક્કા પાડતા નેતાઓ સામે વાંધો લઈને ઉમેદવારીમાંથી ગેરલાયક ઠેરવવા માટે રજૂઆત કરી હતી. લેખિત રજૂઆત કરીને રવિ પટેલે તમામ ડિરેક્ટરો કે જેમને 8 વર્ષ કે તેથી વધુ સમય બેંકમાં ડિરેક્ટર તરીકે વીતી ચુક્યા છે, તેમની ઉમેદવારી યોગ્ય ના હોવાનુ પડકાર્યુ હતુ. રજુઆતમાં કહ્યુ હતુ કે, કાયદા મુજબ તેઓએ ઉમેદવારી કરવા માટે સક્ષમ નથી. આ માટે તેમના ઉમેદવારીપત્રને રદ કરવા જણાવ્યુ હતુ.
જેને લઈ ચુંટણી અધિકારીએ ઉમેદવારી ફોર્મ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ સોમવારે ચુંટણી અધિકારીએ કાર્યલય બહાર માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરતા જ જૂના જોગીઓના પગતળેથી ધરતી સરકી ગઈ હતી. વર્ષોથી એકના એક જ આગેવાનોજ સાબરકાંઠા બેંકની સત્તા સંભાળતા હતા એ યુગનો જાણે કે આ સાથે જ અંત આવ્યો હતો.
Published On - 12:58 pm, Mon, 3 July 23