સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી પ્રક્રિયા વિવાદમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. ભરતી માટે જે લોકોની ભલામણ કરવામાં આવી હતી,, તેમાંનો એક વર્ષ 2013ના ડમી કાંડમાં પણ પકડાયો હતો. ડમી કાંડમાં પકડાયેલા સોહિલ જેરિયાની ભરતી કરવા માટે સિન્ડિકેટ સભ્ય મહેશ ચૌહાણે ભલામણ કરી હતી. સોહિલ 8 વર્ષ પહેલા LLBના પ્રથમ સેમેસ્ટમાં ડમી વિદ્યાર્થી તરીકે પકડાયો હતો.તે NSUIના પૂર્વ નેતા આદિત્યસિંહ ગોહિલનું પેપર લખતા પકડાયો હતો. સવાલ એ ઉઠે છે કે ડમી કાંડમાં પકડાઈ ચૂકેલા શખ્સની ભરતી માટે શા માટે ભલામણ કરવામાં આવી? મહત્વનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કરાર આધારિત અધ્યાપકોની ભરતીના સ્ક્રીન શોટ્સ વાઇરલ થતા તમામ વિગતો સામે આવી હતી.
કાર્યવાહી ક્યારે?
યુનિવર્સિટીના સત્તાધીશો કેમ જવાબદારીમાંથી છટકી રહ્યા છે? સગા-સંબંધીઓની ભલામણ કરનારા સિન્ડિકેટ સભ્યો સામે પગલાં કોણ લેશે? ભલામણો બાદ પણ યુનિવર્સિટીના કુલપતિ કેમ મૌન રહ્યા? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભરતીકાંડને દબાવવાનો કેમ થઈ રહ્યો છે પ્રયાસ? વ્હોટ્સએપ ગ્રૂપ કેટલાક સભ્યો માટે જ કેમ બનાવવામાં આવ્યું? ભરતીકાંડમાં કેમ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવતી? સિન્ડિકેટ સભ્ય મહેશ ચૌહાણે ડમી કાંડના આરોપીની કેમ કરી ભલામણ?
શું છે ભરતીનો વિવાદ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 88 અધ્યાપકોની કરાર આધારિત ભરતી થવાની હતી.12 ફેકલ્ટી માટે 23 નામની વ્હોટ્સએપ ગ્રૂપમાં ભલામણ કરાઈ હતી.NSUIના હોબાળા બાદ વિવાદ સર્જાતા ભરતી પ્રક્રિયા રદ કરાઈ.યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોના વ્હોટ્સએપ ગ્રૂપના સ્ક્રિન શોટ વાયરલ થયા. મેહુલ રૂપાણી, નેહલ શુક્લ અને મહેશ ચૌહાણના સ્ક્રિન શોટ વાયરલ થયા છે. ત્રણેય સિન્ડિકેટ સભ્યોએ વ્હોટ્સએપ ગ્રૂપમાં માનીતાના નામોની ભલામણ કરાઇ હતી.
જોકે, કોઈના નામની ભલામણ ન આવી હોવાનો યુનિવર્સિટીએ દાવો કર્યો છે.