આજે વિશ્વ વોટર ડે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્રારા રાજકોટ એન્જિનીયરીંગ હોલ ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાણીની સ્થિતિ અને ભવિષ્યમાં પાણીને લઇને રાજકોટ શહેર સામે આવતા પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ ઝડપથી વિકસતું શહેર છે ત્યારે દસ વર્ષ બાદ રાજકોટમાં દૈનિક પાણીની જરૂરિયાત આજની જરૂરિયાત કરતા લગભગ બમણી થશે તેવો અંદાજ વ્યક્ત કર્યો હતો અને તેને પહોંચી વળવા માટે ભુગર્ભ જળસ્તરને ઉંચું લાવવા માટે પ્રયત્ન કરવા સઘન ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેયર ડૉ. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન વિસ્તાર તથા વસ્તીમાં વધારો થયેલ છે આજે જો “સૌની યોજના” અમલમાં ન હોત તો શહેરના પીવાના પાણીની શું સ્થિતિ હોત તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. નવા ડેમો બનાવવા એ પડકારરૂપ કાર્ય છે કેમકે, ડેમ માટે યોગ્ય સ્થળે પર્યાપ્ત માત્રામાં જમીન મળવી, કુદરતી જળ પ્રવાહ ઉપલબ્ધ થવો, આ લાંબાગાળાનું આયોજન હોય છે અને ખુબ ખર્ચાળ પણ હોય છે. આવા સંજોગોમાં ઝડપથી અને સરળતાથી પાણીના વૈકલ્પિક સ્ત્રોત વિશે વિચાર કરીએ ત્યારે રેઈન વોટર રીચાર્જ અને સંગ્રહનો વિકલ્પ સર્વ પ્રથમ ધ્યાનમાં આવે છે. જેના માટે નિષ્ણાતોના મૂલ્યવાન સુચનો મળી રહે તેમજ તેના પર જરૂરી વિચાર વિમર્શ થાય તે માટે આજ રોજ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
વિશેષમાં મેયરએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષથી ચોમાસામાં સારો વરસાદ થતો રહ્યો છે, તાજેતરની વાત કરીએ તો ગત ચોમાસામાં પણ સારો વરસાદ થયેલો છતાં પણ આ વર્ષમાં એક મહિના વહેલા રાજકોટમાં બોરના જળ સ્તર ઊંડા ઉતરી ગયા હોવાનું ધ્યાનમાં આવે છે. જેથી ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે તે માટે રાજકોટમાં વ્યાપક સ્તરે ઝુંબેશના રૂપમાં રેઈન વોટર રીચાર્જ કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે.
આ અવસરે વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગભાઈ માંકડે કહ્યું હતું કે, રાજકોટમાં લોકોને તેમના ઘેર નળમાં રોજ 20 મિનિટ સુધી પીવાનું પાણી મળી રહે છે. વાંચવામાં અને સાંભળવામાં આ વાત જેટલી સામાન્ય લાગે છે તેટલી જ અસામાન્ય મહેનત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જે બિરદાવા લાયક છે. રાજકોટમાં વિવિધ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ છે. આ સંસ્થાઓના સહયોગ સાથે નાગરિકોને પણ જોડીને રાજકોટના ભૂગર્ભ જળ સ્તર ઉંચા લઈ જવાની દિશામાં કંઇક ખાસ કાર્ય થાય તેવી આશા છે.
ત્રણ માસ બાદ ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે અત્યારથી જ જળ સંચય માટે જરૂરી કામગીરી થાય તે ઇચ્છનીય છે. અત્યારે રાજકોટમાં રોજ 365 MLD પાણીની જરૂરિયાત રહે છે. રાજકોટના જળાશયોની સાથોસાથ “સૌની યોજના” મારફત નર્મદાનું પાણી મેળવી આ જરૂરિયાત પૂરી કરીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજકોટ ખાતે જ “સૌની યોજના” લોન્ચ કરી હતી. એ સમયે ઘણા લોકોને સંશય હતો કે આ યોજનાથી ડેમ ભરાશે કે કેમ ? આજે આપણે જોઈ રહયા છીએ કે સૌરાષ્ટ્રના 115 ડેમની સાથે રાજકોટના આજી અને ન્યારી ડેમ વર્ષમાં બે વખત નર્મદા નીરથી ભરવામાં આવે છે.
આ સેમિનારમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ પ્રેઝન્ટેશન સાથે રાજકોટની પાણી વિતરણની વર્તમાન વ્યવસ્થાનો ચિતાર આપતા એમ કહ્યું હતું કે, 2014માં રોજ 150 MLD પાણીની જરૂરિયાત હતી જે આજે 365 MLD છે, આગામી વર્ષ 2035 સુધીમાં આ જરૂરિયાત વધીને 650 MLD સુધી પહોંચી શકે છે. રાજકોટમાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સુધરી રહ્યું છે. શહેરમાં વર્ટીકલ ડેવલપમેન્ટ વધ્યું છે મતલબ કે હાઈરાઈઝ ઈમારતો વધુ બની રહી છે. તેમજ રાજકોટ ટ્રેડીંગ હબ હોઈ અન્ય પ્રાંતના લોકોનું રાજકોટમાં માઈગ્રેશન સતત વધી રહ્યું છે. આ સ્થિતિમાં લોકોને ભવિષ્યમાં પણ રોજ પાણી મળી રહે તે માટે અત્યારથી જ આયોજન કરવું એટલું જ જરૂરી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2023-24ના બજેટમાં જળ સ્ટોરેજ ક્ષમતા વધારવા માટેનું આયોજન મુકવામાં આવેલ છે. આ કામ પૂર્ણ થયે બે દિવસ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઇ શકશે અને તેનાથી વોટર મેનેજમેન્ટ અને મેઇન્ટેનન્સના કારણે ક્યારેક ક્યારેક જે પાણીકાપ મુકવો પડે છે તેનાથી બચી શકાશે. આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના 400 જેટલા બોર આઇડેન્ટિફાય કરવામાં આવેલ છે જેને રીચાર્જ કરી શકાય તેમ છે. હાલમાં જન ભાગીદારીથી પેવિંગ બ્લોકના કામ થાય છે તે જ રીતે રાજ્ય સરકાર દ્વારા વોટર રીચાર્જ યોજના અમલમાં મુકેલ છે.
જેનો લાભ તમામ સોસાયટીઓ લેવો જોઈએ. આ સામાજિક ક્રાંતિ માટે સેવાકીય સંસ્થાઓએ આગળ આવવું પડશે અને લોકો સમજદારી પૂર્વક કરકસરથી પાણીનો ઉપયોગ કરે તે માટે જન જાગૃતિ કેળવવી પડશે. વિશેષમાં, શહેરમાં “વોટર સ્માર્ટ સોસાયટી” ઝુંબેશ હાથ ધરવાની જરૂરિયાત સમજાય છે. જેમાં સોસાયટીના તમામ મકાનોમાં બોર રીચાર્જ થયેલ હોય, પાણીનો બગાડ ન થાય, પોતાની જરૂરિયાતનું પાણી મળી ગયા બાદ નળ બંધ કરી વેડફાટ અટકાવવામાં આવે વિગેરે જેવા મુદ્દે લોક જાગૃતિ અને અમલ કરાવવું જોઈએ.
આ પણ વાંચો : Breaking News: સુરતમાં શ્વાનનો આતંક યથાવત, ભેસ્તાન વિસ્તારમાં શ્વાન કરડતા 6 વર્ષના બાળકનું મોત