RAJKOT :નાના બાળકોને બેક્ટેરીયાથી ન્યૂમોકોકલ ન્યૂમોનિયા (Pneumococcal Pneumonia) નામની ગંભીર પ્રકારની બિમારીને અટકાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે 20 ઓક્ટોબરના રોજ આ બિમારી સામે રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
કેવા છે આ રોગના લક્ષણો?
નાના બોળકોમાં બેકટેરીયાથી થતાં ફેફસાના ચેપી રોગોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા એ ગંભીર પ્રકારનો ચેપ છે. રોગના મુખ્ય લક્ષણોમાં બાળકને ઉઘરસ આવવી, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તિવ્ર શ્વાસ અને ગળામાં સસણી બોલવી અને જો બાળક ગંભીર પ્રકારે બીમાર હોય તો તેને ખાવા-પીવામાં પણ તકલીફ રહે છે. તેને આંચકી આવી શકે છે. બેભાન થઇ શકે છે અને કયારેક તેનું મૃત્યુ પણ થઇ શકે છે.
આ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ઉધરસ અને છિંક આવવાથી શ્વાસોચ્છવાસ દ્વારા ફેલાય છે.
રસીકરણથી આ રોગ અટકાવી શકાય છે
નાની ઉમરના બાળકોમાં આ રોગને રસીકરણ દ્વારા ફેલાતો અટકાવી શકાય છે. આથી આ રોગથી થતાં મૃત્યુના પ્રમાણને ઘટાડવા આગામી 20 ઓકટોબરથી રાજકોટ જિલ્લામાં ન્યુમોકોકલ કોંજયુંગેટ વેકસીનેશન (Pneumococcal conjugate vaccine) નો કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કાર્યક્રમ અતંર્ગત જે બાળકો રસીકરણ માટે 6 અઠવાડીયા અથવા પોલીયો-1 અને પેન્ટાવેલેન્ટ-1 ના પહેલા ડોઝ માટે રસીકરણ માટે આવે ત્યારે ન્યુમોકોકલ કોંજયુંગેટ વેકસીન PVCનો પહેલો ડોઝ આપવમાં આવશે. ત્યારબાદ બીજો ડોઝ 14 અઠવાડીયા પછી અને 9 મહિના બાદ બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે.
સરકારી દવખાનાઓમાં વિનામુલ્યે રસીકરણ
ખાનગી દવાખાનાઓમાં પણ આ રસી ઉપલબ્ધ છે. જયારે તમામ સરકારી દવખાનાઓમાં આ રસી વિનામુલ્યે આપવામાં આવશે. સ્થાનિક કક્ષાએ લોકોમાં આ અંગે જાગૃતિ અર્થે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચુંટાયેલા પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ અન્વયે રસીકરણ કેન્દ્રો પર પ્રથમ બાળકને પ્રથમ ડોઝ આપવાનું આયોજન કરાયેલ છે. આ અંગે વધુ વિગતો માટે સ્થાનીક આરોગ્ય કર્મચારી અથવા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને દરેક વાલીઓ પોતાના બાળકને આ રસી અવશ્ય મુકાવવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : નેવલ કમાન્ડર્સ કોન્ફરન્સમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલો આપણો દેશ ખૂબ જ મહત્વપૂર્ણ
આ પણ વાંચો : Ahmedabad : AMC દ્વારા BRTS ઉડાન પ્રોજેકટ શરૂ, એરપોર્ટ પર ઓટો-ટેક્સી ચાલકોની મનમાની સામે મુસાફરોને રાહત