ઇન્દ્રનીલે કરેલા આક્ષેપો સામે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે આપ્યો વળતો જવાબ
Rajkot : કોંગ્રેસ દ્વારા ૫૦૦ કરોડના કૌંભાડના આક્ષેપ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને નિતીન ભારદ્વાજને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મુદ્દે વિજય રૂપાણી અને નિતીન ભારદ્વાજે વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય સી.જે.ચાવડા અને ધારાસભ્ય શૈલેષ પરમાર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ વિવાદમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પણ ઝંપલાવ્યું છે. રાજ્યગુરૂએ આ વિવાદ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે વિજય રૂપાણીનો ગોવિંદ પટેલ અને રામ મોકરિયા પાટીલને કહીને દાવ લઇ રહ્યા છે જેનો આજે ગોવિંદ પટેલે (Govind Patel) જવાબ આપ્યો હતો.
આ અંગે ટિપ્પણી કરતા ગોવિંદ પટેલે કહ્યું હતું કે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પોતાના પક્ષની ચિંતા કરે, મારી અને વિજય રૂપાણી વચ્ચે મતભેદ હોઇ શકે છે. પરંતુ અમારી વચ્ચે મનભેદ ક્યારેય ન હોઇ શકે. આક્ષેપ કરવો તમારો હક છે. પરંતુ તે સત્યથી નજીક હોવા જોઇએ તો લોકોને ગળે ઉતરે. પોલીસ તોડકાંડમાં રાજ્ય સરકારે જે કડક પગલાં લીધા તેનેઆડેપાટે ચડાવવાનો આપનો પ્રયાસ છે. રાજ્યગુરૂ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે આપ સમજદાર છો જેથી આપ આપના પક્ષની ચિંતા કરો.
ભાજપના જ નેતાઓ દાવ લઇ રહ્યા હોવાનો કર્યો હતો આક્ષેપ
આ અંગે રાજ્યગુરૂએ કહ્યું હતું કે કોંગ્રેસ વિરોધ પક્ષની ભુમિકામાં છે તેઓ આવા કિસ્સાઓને ઉજાગર કરે. પરંતુ આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી એકલા પડી ગયા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે જે રીતે વિજય રૂપાણી અને નિતીન ભારદ્વાજે એકચક્રી શાશન ચલાવ્યું છે તેનાથી નેતાઓમાં નારાજગી હતી. અને એટલા માટે જ રામ મોકરિયા અને ગોવિંદ પટેલ સી.આર.પાટીલને સાથે રાખીને વિજય રૂપાણીનો દાવ લઇ રહ્યા છે.
જો સાચા હોય તો કેટલી અરજીઓમાં હેતુફેર કર્યો તેનો ખુલાસો કરવાનો ફેંક્યો હતો પડકાર
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું હતું કે દરેક જમીનમાં હેતુફેર થતો નથી. આ કેસમાં સહારા કંપનીને અને રૂપાણીના નજીકના લોકોને મદદ કરવા માટે રેસિડન્સમાંથી ઇન્ડસ્ટ્રીઝનો હેતુ ફેર કરવામાં આવ્યો છે, જો વિજય રૂપાણી સાચા હોય અને નિયમ પ્રમાણે જ બધુ કર્યુ હોય તો પહેલા તેઓ એ જાહેર કરે કે હેતુફેર માટે કેટલી અરજીઓ આવી હતી. અને તેમાંથી કેટલી અરજીઓને ગ્રાહ્ય રાખવામાં આવી છે, કારણ કે સામાન્ય માણસ થાકી જાય છે ત્યાં સુધી તેની જમીનનો હેતુફેર થઇ શકતો નથી.
ભ્રષ્ટાચારના પુરાવા અંગે રાજ્યગુરૂ અસ્પષ્ટ જોવા મળ્યા હતા
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આણંદપર અને નવાગામની જમીનમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કર્યો છે. પરંતુ તેના પુરાવા અંગે તેઓ અસ્પષ્ટ છે. તેઓએ પહેલા કહ્યું કે સમયાંતરે હું આ અંગેના પુરાવા આપીશ, બાદમાં કહ્યું કે ભ્રષ્ટાચાર વગર કોઇ કામ થતું નથી,તે જગ જાહેર વાત છે આવી વાતના પુરાવા ન હોય અને ત્યારબાદ તેઓએ કહ્યું કે લોકોને માનવું હોય તો આ વાત માને,એટલે કે રાજ્યગુરૂ પોતે પણ આ ભ્રષ્ટાચારના આક્ષેપના પુરાવા અંગે અસ્પષ્ટ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલમહાકુંભનો કરાવશે શુભારંભ
આ પણ વાંચો : ગુજરાતમાં આજથી સાગર પરિક્રમા યાત્રાનો પ્રારંભ, દરિયાકાંઠાના માછીમારોની સમસ્યા જાણવા સરકાર પ્રયાસ કરશે
Published On - 11:40 am, Sat, 5 March 22