રાજકોટના ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) ના રાજકારણ (Politics) માં જોડાવાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોને પોતાની તરફ આકર્ષિત કરતા નરેશ પટેલે ભાજપ (BJP) સાથે સંપર્ક વધાર્યો હોવાનું જાણવા મળ્યું છે. આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ – ટૂંક સમય પહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah), કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે પણ નરેશ પટેલે મુલાકાત કરી છે.
નરેશ પટેલ અગાઉ કોંગ્રેસ અને આપના નેતાઓને પણ મળી ચૂક્યા છે અને અત્યારે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ અને પ્રાદેશિક નેતૃત્વના સંપર્કમાં હોવાના સમાચારની વચ્ચે ગઇકાલે પ્રદેશ ભાજપના નેતાઓ સાથે ગુપ્ત બેઠક કરી હોવાનું જાણવા મળ્યું છે. આધારભુત સુત્રો દ્વારા એમ પણ કહેવાઈ રહ્યું છે કે હવે અંતિમ તબક્કાની વાતચીત ચાલી રહી છે. જો કે નરેશ પટેલ જ્યારે સત્તાવાર જાહેરાત કરે ત્યારે જ અંતિમ નિર્ણય ગણાશે. તેમણે એપ્રિલ મહિનાના અંત સુધીમાં પોતાનો નિર્મય જાહેર કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલને ભાજપના નેતાઓ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો અહેવાલ TV9 દ્વારા જ સૌપ્રથમ પ્રકાશિત કરાયો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને હાલમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડેલુ છે. તે વચ્ચે તેમના જુના નિવેદનને લઈને ફરી વિવાદ સપાટી પર આવ્યો છે. નરેશ પટેલે અગાઉ એવું નિવેદન કર્યું હતું કે સરપંચથી લઈ સાંસદ સુધી અને પટાવાળાથી લઈ કલેક્ટર સુધી પાટીદાર સમાજના લોકો હોવા જોઈએ. તેમના આ નિવેદન પર કોળી વિકાસ સંગઠને વિરોધ (Oppose) વ્યક્ત કર્યો છે. કોળી વિકાસ સંગઠનના સ્થાપક મુકેશ રાજપરાએ કહ્યું કે ગુજરાતમાં ખુલ્લેઆમ જ્ઞાતિવાદ અને જાતિવાદનું રાજકારણ ચાલી રહ્યું છે. કોળી સમાજ ક્યારે આ સહન નહીં કરે. તેમણે માગ કરી કે નરેશ પટેલ પોતાનું નિવેદન પાછું ખેંચે. જો નિવેદન પાછું નહીં ખેંચે તો જાતિવાદી અને જ્ઞાતિવાદી લોકોને કોળી સમાજ ક્યારેય પ્રોત્સાહન નહીં આપે.
આ પણ વાંચોઃAhmedabad મહેસાણા હાઇવે નજીકથી જવલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, કુલ રૂપિયા 66,00,370 નો મુદ્દામાલ કબજે કર્યો
આ પણ વાંચોઃ Ahmedabad : નવ વર્ષની નેન્સીને જટિલ ઓપરેશન કરી સિવિલ હોસ્પિટલના તબીબોએ પીડામુક્ત કરી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો