RAJKOT : ગોકળગાયની ગતિએ ચાલતું લક્ષ્મીનગર અંડર બ્રિજનું કામ, ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ

રાજકોટના નાનામૌવા અને ૧૫૦ ફુટ રિંગરોડથી શહેરને જોડતા એકમાત્ર લક્ષ્મીનગર અંડરપાસનું નવીનીકરણ કરીને ૩૫ કરોડ રૂપિયાના ખર્ચે અંડરબ્રિજ તૈયાર કરવાની જાહેરાત કરાઇ, રેલવેને આ કામગીરી સોંપવામાં આવી.

RAJKOT : ગોકળગાયની ગતિએ ચાલતું લક્ષ્મીનગર અંડર બ્રિજનું કામ, ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ
લક્ષ્મીનગર અંડરબ્રિજ (ફાઇલ)
| Edited By: | Updated on: Dec 16, 2021 | 3:48 PM

રાજકોટમાં સૌથી મોટો માથાનો દુખાવો હોય તો તે છે ટ્રાફિકની સમસ્યા,શહેરમાં ચારે તરફ બ્રિજના કામ ચાલી રહ્યા છે,કામ ચાલુ હોય અને રસ્તો બંધ હોય તો સમજી શકાય પરંતુ લોકાર્પણની તારીખ નક્કી ન હોવાથી લક્ષ્મીનગર અંડરબ્રિજનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે જેથી શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટના નાનામૌવા અને ૧૫૦ ફુટ રિંગરોડથી શહેરને જોડતા એકમાત્ર લક્ષ્મીનગર અંડરપાસનું નવીનીકરણ કરીને ૩૫ કરોડ રૂપિયાના ખર્ચે અંડરબ્રિજ તૈયાર કરવાની જાહેરાત કરાઇ, રેલવેને આ કામગીરી સોંપવામાં આવી. પરંતુ બે વર્ષથી વધારે સમય પસાર થઇ જવા છતા હજુ આ કામ પુરૂ થયું નથી. મહાનગરપાલિકા દ્રારા લક્ષ્મીનગર અંડરબ્રિજના લોકાર્પણ માટે ઓગસ્ટ મહિનો અને ત્યારબાદ ડિસેમ્બરની તારીખો નક્કી કરવામાં આવી .જોકે રેલવે  આ કામગીરી પુરૂ કરવામાં આવી નથી.પરિણામે શહેરીજનો ભારે ટ્રાફિકજામનો સામનો કરી રહ્યા છે.તેમાં પણ ઓફિસ ટાઇમ અને શાળા છૂટવાના સમયે ભારે ટ્રાફિક જામ થાય છે ત્યારે લોકોએ આ બ્રિજનું કામ તાત્કાલિક પૂર્ણ કરીને શરૂ કરવાની માંગ કરી છે.

કોંગ્રેસે આ લોકાર્પણમાં ઢીલાશ પાછળ ભાજપના સ્થાનિક રાજકીય જુથવાદને જવાબદાર ગણી રહ્યું છે.કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે રાજકોટ ભાજપના જુથવાદને કારણે લોકાર્પણ કોની પાસે કરાવવું તે અંગે વિવાદ છે જેથી લોકાર્પણ થતુ નથી અને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી પસાર થવું પડતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ તરફ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે ૨૦ જાન્યુઆરી સુધીમાં આ બ્રિજનું લોકાર્પણ થશે તેવો દાવો કર્યો હતો.પુષ્કર પટેલે કહ્યું હતું કે બ્રિજનું કામ રેલવે હસ્તક છે અને રેલવેના અધિકારીઓને તાકિદે બ્રિજ પુરો કરવાની સૂચના આપી હોવાનો દાવો કર્યો હતો.

શહેરમાં ચારે તરફ બ્રિજનું કામ ચાલી રહ્યું છે,શહેરીજનો બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યાથી મુક્ત થાય તે પહેલા ટ્રાફિકની પરેશાનીથી ઘેરાયેલા છે ત્યારે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો : દેશ છોડ્યા બાદ ઝળકી પ્રતિભા, ઓસ્ટ્રેલિયાની ટીમમાથી રમનાર મૂળ ભારતીય ખેલાડીના પિતા ટેક્સી ચલાવી પરિવારનુ કરે છે ગુજરાન

આ પણ વાંચો : ભિખારીએ રેલ્વે સ્ટેશન પર કર્યો નોટોનો વરસાદ ! આ ધનવાન ભિખારી જોઈને લોકોના હોંશ ઉડી ગયા, જુઓ VIDEO