Rajkot: શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રાજકોટના (Rajkot) પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્રારા જાહેરનામુ બહાર પાડીને યાજ્ઞિક રોડ પરના ચાર રસ્તાઓને વન વે જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ જાહેરનામાનો હવે વિરોધ થઇ રહ્યો છે. આજે રાજકોટના મહાકાળી મંદિર રોડના વેપારીઓ દ્રારા આ જાહેરનામાના વિરોધમાં 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી દુકાનો બંધ કરીને વિરોધ કર્યો હતો અને આ જાહેરનામુ પાછું ખેંચવાની માંગ કરી હતી.
મહાકાળી મંદિર રોડ પર વેપારી એસોસિએશન દ્વારા આજે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી બંધ પાળીને સૂત્રોચ્ચાર કર્યા હતા. વેપારીઓમાં એટલા રોષમાં હતા તેમણે રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા અને વન વે પરત ખેંચવાની માગ કરી હતી. વેપારીઓનું કહેવુ છે કે મહાકાળી મંદિર રોડ પર વન વે જાહેર કરવાને કારણે વેપાર ઉદ્યોગને માઠી અસર પડી રહી છે. આ રસ્તા પર ટ્રાફિકની કોઈ સમસ્યા સર્જાઈ નથી. વેપારીઓ નિર્ણય પરત લેવાની માગ પર અડગ છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ નિર્ણય પરત નહીં ખેંચાય તો સાંસદ, ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવશે અને ઉગ્ર વિરોધ નોંધાવશે.
પોલીસના યાજ્ઞિક રોડ પરના ચાર રસ્તાઓ વન વે જાહેર કર્યા બાદ ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે ન્યુ જાગનાથ રોડ પરના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ કહ્યુ હતુ કે વન વે ને કારણે લોકોને આવવા જવા માટે મુશ્કેલી પડી રહી છે અને તેના કારણે વેપાર ધંધાને માઠી અસર પડી રહી છે ત્યારે વન વેનો નિર્ણય પરત ખેંચાવો જોઈએ.
પોલીસના જાહેરનામાનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે, યાજ્ઞિક રોડ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પોલીસ દ્રારા આ જાહેરનામુ બહાર પાડવામાં આવી રહ્યું છે પરંતુ આ નિર્ણયથી યાજ્ઞિક રોડ પરની વિવિધ શેરીમાં વેપાર કરતા વેપારીઓને અને રહેવાસીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. સવાલે એ વાતનો છે કે પોલીસ દ્રારા આટલો મોટો નિર્ણય લેતા પહેલા વેપારીઓને વિશ્વાસમાં કેમ લેવામાં ન આવ્યા? જો ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશન સાથે અગાઉ ચર્ચા કરવામાં આવી હોત તો વેપારીઓ અને પોલીસ સમજૂતીથી આ સમસ્યા હલ કરી શક્યા હોત.
યાજ્ઞિક રોડની સાથે શહેરના 150 ફુટ રિંગ રોડ પર ખાનગી ટ્રાવેલ્સોની પ્રવેશબંધી પરનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. જો કે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોના વિરોધ અને સાંસદ-ધારાસભ્યોની મધ્યસ્થીને કારણે પોલીસે નમતું મુકવું પડ્યું હતું અને આ જાહેરનામાંને 6 મહિના સુધી પરત ખેંચવું પડ્યું હતું. આ કિસ્સામાં પણ પોલીસે સ્થિતિની સમીક્ષા કર્યા વગર જ જાહેરનામું બહાર પાડી દીધું હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ વેપારીઓ આ જાહેરનામાનો સખ્ત વિરોધ કરી રહ્યા છે. ત્યારે શું પોલીસ આ જાહેરનામુ પણ પરત ખેંચશે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો