ગોંડલ (Gondal) માં હાઈ બોન્ડ નામની સિમેન્ટની ફેક્ટરી (cement factory) માં ટેન્કમાં વેલ્ડિંગ કરતી વખતે બ્લાસ્ટ થતાં મોટો અકસ્માત (accident) સર્જાયો હતો જેમાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ગોમટા ચોકડી પાસે આવેલ હાઈબોન્ડ સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત સર્જાતા ફેક્ટરીના આશિષ હમીર ભાઈ સોલંકી (ઉં.વ.25) રહે દેવલપુર ગીર સોમનાથ, રાહુલ જસાભાઈ પંપાણિયા (ઉં.વ. 22) રહે સુત્રાપાડા તેમજ અમર શિવધારા ભાઈ વિશ્વકર્મા (ઉં.વ.33) રહે બલવા ગોરી ઉત્તર પ્રદેશ વાદળા ઓના મોત નિપજયા હતા. યુવાનના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા અકસ્માત કઈ રીતે સર્જાયો તે હજુ બહાર આવ્યું ન હોય પોલીસે તપાસ હાથ ધરી હતી
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણેય યુવાનો વહેલી સવારે ચાર વાગ્યે કેમિકલની ટેંકમાં વેલ્ડીંગ કામ કરી રહ્યા હતા અને અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન રસ્તામાં જ અન્ય એક યુવાનનું મોત નિપજયું હતું જ્યારે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એક શ્રમિકનું મોઢુ એટલી હદે છૂંદાઇ ગયું હતું કે તેનો ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો. પોલીસે ત્રણેય યુવાનોના પરિવારજનોનો સંપર્ક સાધવા કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક અમર શિવધારાભાઇ વિશ્વકર્મા પરણીત છે જ્યારે અન્ય બે યુવકો અપરણીત હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણેય યુવકો કંપનીમાં નાઇટ સિફટમાં કામ કરી રહ્યા હતા. આજે વહેલી સવારે 15 થી 20 હજાર લીટરની ક્ષમતાવાળી જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટાંકી પાસે વેલ્ડીંગ કરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાય હતી અને ત્રણેયનો ભોગ લેવાયો હતો. આ યુવકો કંપનીની લેબર કોલોની ખાતે કવાર્ટરમાં રહેતા હતા. આ બનાવની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને 108 એમ્બ્યુલન્સમાં ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Surat : ડાયમંડ ઉદ્યોગના અચ્છે દિન ગયા ! મંદીની અસરને પગલે અઠવાડિયામાં બે દિવસની રજા શરૂ કરાશે
આ પણ વાંચોઃ Bharuch Police એ આ બે મામલાઓમાં કુલ 7 લોકોની ધરપકડ કરી, જાણો વિગતવાર
Published On - 9:32 am, Mon, 25 April 22