Rajkot: Rajkotના મેયર પ્રદિપ ડવ લેઉવા પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામ ટ્રસ્ટની વિદ્યાર્થી પાંખ દ્વારા આયોજિત રાજકીય કારકિર્દી અંગેના સેમિનારમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તેમના સંબોધન દરમિયાન એક કિસ્સાને યાદ કરી પ્રદિપ ડવ ભાવુક થયા હતા. તેમણે જણાવ્યુ કે રાજકારણમાં કામ કરતા સમયે પરિવારને સમય નથી આપી શકાતો. પરિવારની ખુશીઓનો પણ ત્યાગ કરવો પડે છે. પ્રદિપ ડવે પોતાનો એક વ્યક્તિગત કિસ્સો કહ્યો એ સમયે તેઓ ભાવુક થયા હતા.
પ્રદિપ ડવે સેમિનારમાં પોતાના વ્યક્તિગત અનુભવો વર્ણવતા કહ્યું હતું કે એક રાજકારણીનું જીવન ખૂબ જ કપરૂં હોય છે. લોકો એમ માનતા હોય છે કે રાજકીય વ્યક્તિ મોજશોખ પૂરા કરે છે, પરંતુ વાસ્તવમાં તેવું હોતું નથી. પોતાના પરિવાર સાથે બહાર જમવા જવાનો પ્રોગ્રામ કર્યો પરંતુ આ પ્રોગ્રામ પણ રદ્દ કરવો પડે છે. તેમના દીકરાના જન્મદિવસનો કિસ્સો વર્ણવતા કહ્યુ હતું કે મારો 7 વર્ષનો દિકરો છે. તેનો જન્મદિવસ હતો. અમે સાંજે બહાર જવાનું નક્કી કર્યું હતું પરંતુ મારે 7 વાગ્યે એક કાર્યક્રમમાં હાજર રહેવું પડ્યું. ત્યાંથી ફ્રી થવામાં ઘણો સમય લાગ્યો. જ્યારે હું રાત્રે 9.30 વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે તે સૂઇ ગયો હતો. આ વાત યાદ કરતા મેયર ડૉ.પ્રદિપ ડવ ભાવુક થઇ ગયા હતા. વધુમાં તેઓએ કહ્યું હતું કે આપણે જે સ્થળે હોઈએ ત્યાં નિષ્ઠાથી કામ કરીએ. રાજકોટના મેયર તરીકે મારી ફરજ છે તો રાજકોટને શું આપી શકું તે દિશામાં આપણા પ્રયત્ન હોવા જોઇએ.
યુવાનોની કારર્કિદીના ઘડતર માટે કામ કરતી ખોડલધામ વિદ્યાર્થી સમિતી દ્રારા સર્વ સમાજના વિધાર્થીઓના કારર્કિદી માટે અલગ અલગ સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે ગત રવિવારના રોજ માયાણીનગરમાં આવેલા સરદાર પટેલ ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર પ્રદિપ ડવની સાથે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું.