Rajkot: રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કાલાવડ રોડ પર કેકેવી હોલ ડબલ ડેકર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જેની ઘણા સમયથી રાહ જોવાતી તે કેકેવી બ્રિજનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા 129 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. લોકાર્પણ થતાની સાથે જ રાજકોટના મેયર ડૉ.પ્રદિપ ડવ અને ભાજપના પ્રદેશ ઉપાઘ્યાક્ષ ભરત બોઘરાએ બાઇકની રાઇડ કરીને આ બ્રિજને લોકો માટે ખુલ્લો મુક્યો હતો.
આ બ્રિજ અંગે મેયર ડૉ.પ્રદિપ ડવે કહ્યું હતું કે રાજકોટના ગૌરવ પથ સમાન કેકેવી હોલ ડબર ડેકર બ્રિજ સૌરાષ્ટ્રનો પ્રથમ બ્રિજ છે. આ બ્રિજને કારણે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા 129 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે અને આ બ્રિજનું લોકાર્પણ પ્રધાનમંત્રીએ કરીને રાજકોટને મોટી ભેટ આપી છે. આ બ્રિજને કારણે ઔધોગિક વિસ્તારોમાં જતા લોકોને ફાયદો થશે. મેયર પ્રદિપ ડવે ટ્રાફિક ક્ષેત્રે આ મોટી ઉપલબ્ધી ગણાવી હતી.
રાજકોટ શહેર દિવસેને દિવસે વિકાસ પામી રહ્યું છે. જેની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે ત્યારે કાલાવડ રોડ પર આવેલા ઔધોગિક વિસ્તાર મેટોડા અને કાલાવડ રોડ તરફના ગ્રામ્ય વિસ્તારોને સીધો ફાયદો થશે.અગાઉ રાજકોટના કાલાવડ રોડ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કેકેવી હોલ ઓવરબ્રિજ અને જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો અને હવે કેકેવી હોલ પર ડબલ ડેકર બ્રિજ તૈયાર કરીને કાલાવડ રોડ પર ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે હતા.ગુજરાતનું પહેલું ગ્રીનફિલ્ડ એરપોર્ટના લોકાર્પણ કર્યું તેની સાથે રાજકોટમાં કેકેવી હોલ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. તેની સાથે સૌની યોજનાની લીંક 3નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત રાજકોટમાં 8.39 કરોડના ખર્ચે અદ્યતન લાયબ્રેરી, 41.71 કરોડના ખર્ચે ન્યારીથી રૈયાધાર પાણીની પાઇપલાઇન, 29 કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો