શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત અમૃત મહોત્સવમાં આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની જુનાગઢ શાખાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ભાજપના ઉપ-પ્રમુખ ભરત બોઘરા તેમજ સુરતના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા
આ અવસરે સી.આર. પાટીલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ઢેબર રોડ રાજકોટમાં બંધાયેલ વિદ્યાર્થીઓ માટેનું નૂતન છાત્રાલય ” ધર્મજીવન હૃદયમ ” નું રિમોટથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુરુકુળ રાજકોટ સંચાલિત કન્યા છાત્રાલયના પ્લાનનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ગુરુકુળના સંતો દ્વારા ધાર્મિક શૈક્ષણિક અને સામાજિક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે. અંગ્રેજોએ દેશની સાથે ભારતની ભાષા અને સંસ્કૃતિને ગુલામ બનાવેલી આપણી નાલંદાને તક્ષશિલા વિદ્યાપીઠોને ધ્વંસ કરી એ પછીથી ગુરુકુળો દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ એ વિશ્વમાં ફેલાઈ રહી છે. તેઓએ ગુરુકુળમાંથી ભણીને નીકળેલા વિદ્યાર્થીઓ આઇઆઇટી , આર આઈ એમ ,પાયલોટ સીએ એન્જિનિયર્સ ડોક્ટર અને લશ્કરમાં પણ જોડાયેલા છે. આ બધાની ગણતરી સંતોએ કરી છે પણ રાજકારણમાં કેટલા જોડાયા છે એની ગણતરી નથી કરી એટલે એમ લાગે છે કે આમાં જોડાવા જેવું વિદ્યાર્થીઓને દેખાતું નહીં હોય. ગુરુકુલનો એક એક વિદ્યાર્થી વ્યસનથી દૂર રહી ભારતીય સંસ્કારોને જાળવી રાખે છે .
રાજકોટ ખાતે ગુરૂકુળના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે તેમાં દેશ વિદેશના લોકો આવીને દર્શન કરી રહ્યા છે અને પ્રદર્શનો નિહાળી રહ્યા છે. આ મહોત્સવ દરમિયાન વિવિદ દિવસોની ઉજવણી પણ થઈ રહી છે. તેમજ આ તારીખો દરમિયાન વિવિધ દિવસની ઉજવણી પણ થશે.
અહીં 26 ડિસેમ્બર સુધી સાંસ્કૃતિક પ્રદર્શન જોવા મળશે. જે 40 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર કરવામાં આવ્યા છે. પ્રાકૃતિક પહાડો,જંગલ,ગુફા અને 1 લાખથી વધુ ફૂલ – છોડ,વનરાઈઓ વચ્ચે 30 પ્રકારની અદ્યતન ટેકનોલોજી સાથે પારિવારિક,સામાજિક,સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરતું ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક પ્રદર્શનમાં 3 ભવ્ય ઓડિટોરિયમમાં અલગ અલગ ટેલીફિલ્મો મુલાકાતીઓને બતાવવામાં આવશે. જેના મુખ્ય વિષયો મારું જીવન,મારું ભારત,મારી પ્રેરણા અને મારી શ્રધ્ધા રહેશે.