Rajkot: વીતેલા જમાનાના ખૂબ મોટા હાસ્ય કલાકાર હરસુખ કિકાણી પોતાના મિત્રોને એટલો પ્રેમ કરતા હતા કે તેઓએ પોતાના ઘર પર જ લખાવ્યું મિત્રકૃપા. આ પ્રકારે મિત્રો માટે પ્રેમ ધરાવતા વ્યક્તિને આજના દિવસે એટલે કે ફ્રેન્ડશીપ ડે (friendship day) ના દિવસે યાદ કરવા જ પડે. આવો જાણીએ હરસુખ કિકાણી અને તેમના મિત્ર પ્રેમ વિશે.
સ્વ. હરસુખ કિકાણીનો જન્મ સપ્ટેમ્બર 1913માં રાજકોટમાં જ થયો હતો.ત્રિકોણબાગ બગીચાની સામે તેમના પિતાને રમતગમતના સાધનોની દુકાન હતી. પરંતુ તેમને શેરબજારમાં મોટી ખોટ આવતા મોટી આર્થિક નુકસાની આવી હતી. બાળપણથી જ તેમને અભિનય અને હાસ્યરસમાં રુચિ હતી. જેથી તેમણે તે ક્ષેત્રમાં જ આગળ વધવાનું નક્કી કર્યું.
શરૂઆતમાં તેમણે “સંતૃપ્ત હૃદય” નામના નાટકનું નિર્માણ કર્યું અને પોતે તેમાં ભૂમિકા નિભાવી. પરંતુ તેમાં નફાને બદલે તેમને નુકસાની થઈ. પરંતુ તેમણે હિંમત હાર્યા વગર તેઓ નાટકો રજૂ કરવા માંડ્યા અને તેમને સફળતા પણ મળવા લાગી. આ ઉપરાંત તેમણે પોતાના એકલા હાસ્ય કાર્યક્રમો પણ શરૂ કર્યા એટલે કે અત્યારના જમાના મુજબ કહીએ તો સ્ટેન્ડઅપ કોમેડી. એ ક્ષેત્રમાં તેમને એટલી ખ્યાતિ મળી કે તેમને આફ્રિકાના અનેક દેશોમાંથી કાર્યક્રમ માટે નિમંત્રણ મળવા લાગ્યા.
કારણ કે આફ્રિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે અને ત્યાં પણ તેમના શો હાઉસફૂલ રહેતા હતા. તેમની લોકપ્રિયતાને જોઇને બ્રિટિશ કંપની His Master voice રેકર્ડ કંપનીએ તેમને નિમંત્રણ આપ્યું અને તેમના જોક્સ અને હાસ્ય નાટકોની અનેક રેકર્ડસ્ બહાર પાડી. જેણે વેચાણના નવા વિક્રમો સર્જ્યા. આ કંપનીએ તેમને ‘ગુજરાત કાઠિયાવાડના ફર્સ્ટ ક્લાસ કોમેડિયન’ તરીકે પણ ઓળખાણ આપી હતી.
સ્વ હરસુખ કિકાણીના પુત્રી ઇલાબેન કિકાણી Tv9 સાથે વાત કરતા જણાવે છે કે તેમણે અનેક હાસ્ય નાટકોનું નિર્માણ કર્યું અને પોતે પણ અભિનય કર્યો. તેમનું ‘જાગતા રહેજો’ નાટક ખૂબ વખણાયું હતું. આ ઉપરાંત તેઓએ ફિલ્મ વારસદારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેમાં તેઓ અવિસ્મરણીય અભિનય બદલ રાતોરાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છવાઈ ગયા હતા.
આ ફિલ્મમાં તેમની સાથે તે સમયના હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેત્રી નલિની જયવંત મુખ્ય ભૂમિકામાં હતા.આ ફિલ્મમાં હરસુખ કિકાણીએ શિક્ષિત બેરોજગારની ભૂમિકા ભજવી હતી.બાદમાં 1958માં તેઓ રાજકોટ આકાશવાણીમાં નાટ્ય નિર્માતા તરીકે જોડાયા અને એ સમયના અનેક યુવાનોને રેડિયો નાટક લખતા શીખવ્યું.
આપણે સ્વ હરસુખ કિકાણીનો પરિચય જોયો.હવે મુખ્ય વાત પર આવીએ કે કેમ તેમણે પોતાના મકાનનું નામ મિત્રકૃપા રાખ્યું?તેમના પુત્રી ઇલાબેન જણાવે છે કે તેઓ નાટકમાં જેમની સાથે કામ કરતા અથવા આકાશવાણીમાં પણ જેમની સાથે તેઓ હતા તેમની સાથે માત્ર તેઓના સહકર્મી તરીકેના સંબંધો નહોતા. તમામ લોકો સાથે તેઓ લાગણી સાથે જોડાયેલા હતા.અનેક વખત તેઓ પોતાના નાટકના આખા સ્ટાફને તેમના ઘરે જમાડતા. અનેક વખત તેમને નાટકના સ્ટાફને રાત્રે 1.30-2 વાગ્યે તેમના ઘરે જમાડ્યા છે.
તેમના પત્નિ પણ એટલા શાંત પ્રકૃતિના અને તેમને ખૂબ સાથ આપતા હતાં. મિત્રો માટે તેઓને એક અલગ જ લાગણી હતી. ડૉ દસ્તુર, ડૉ રસિકભાઈ શાહ, ડૉ. અડાલજા, આકાશવાણીના તે સમયના સ્ટેશન ડાયરેક્ટર ગિજુભાઈ વ્યાસ તેમના ગાઢ મિત્રો હતા. ગીજુભાઈ વ્યાસ ડાયરેક્ટર જનરલ ઓફ દૂરદર્શન થયા બાદ પણ માત્ર તેમના ઘરે રોકાવવા એક-એક મહિનો આવતા. તેમના જીવનમાં મિત્રો ખૂબ જ મહત્વનો હિસ્સો રહ્યા છે. તેમનું એવું માનવું હતું કે મિત્રોના લીધે જ તેઓ આટલા આગળ વધી શક્યા છે.જેથી જ્યારે 1958માં તેમણે પ્લોટ લઈને તેમાં ઘર બનાવ્યું અને તેનું નામ રાખ્યું ‘મિત્રકૃપા’.
તેમને ગાય રાખવાનો પણ ખૂબ જ શોખ હતો તેમના ઘરના ફળિયામાં ગાયો પણ હતી. ગાયો સાથે પણ તેઓ ખૂબ જ લાગણીથી જોડાયેલા હતા. ઇલાબેન જણાવે છે કે વર્ષ 1971માં 58 વર્ષની વયે હરસુખ કિકાણીનું હાર્ટએટેકના કારણે અવસાન થયું હતું.ત્યારે એક ગાય પણ તેમની અંતિમયાત્રામાં સ્મશાન સુધી સાથે ગઈ હતી.આ પ્રકારે તેઓ તેમના મિત્રો અને ગાયો સાથે પણ લાગણીથી જોડાયેલા હતા.
આ ઉપરાંત સૌથી આશ્ચર્ય પમાડે તેવી વાત એ હતી કે તેમની અવસાન નોંધ તેમણે જાતે જ લખી રાખી હતી જે નીચે મુજબ છે.
“આજે હું તમારી વચ્ચે નથી. મે તમારી વચ્ચેથી વિદાય લીધી એ તમને ગમ્યું નહિ હોય.મનેય નથી ગમ્યું,પણ તાકિદનો સંદેશો મળ્યો એટલે નાછૂટકે મારે ઉતાવળ કરવી પડી.હું જિંદગી આખી હસ્યો છું. મારા મૃત્યુ પર પણ અત્યારે હસી રહ્યો છું. હું ક્યાં છું તેની મને નથી ખબર પણ જ્યાં છું ત્યાં ખુશખુશાલ છું. મારા અવસાન બદલ તમે બધાએ મારા કુટુંબને આશ્વાસન મોકલાવ્યું તે માટે સૌનો હું ખૂબ આભારી છું.” લિ.આપનો હરસુખ કિકાણી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો