રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ પદ તરીકે પ્રવીણા રંગાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા દ્વારા પ્રમુખની સાથે ઉપપ્રમુખ તરીકે રાજુ ડાંગર અને કારોબારી સમિતીના ચેરમેન તરીકે પી,જી,ક્યાડાની નિમણૂક કરાઇ છે. આજે તમામ હોદ્દેદારોએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ફોર્મ ભર્યા હતા અને આવતીકાલે ચૂંટણી અધિકારીની હાજરીમાં વરણી કરવામાં આવશે, જો કે આ વરણી પહેલા ભાજપમાં આંતરિક જુથવાદ ચરમસીમા પર જોવા મળ્યો હતો.
રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે અલ્પાબેન તોગડિયા અને રક્ષાબેન રાદડિયાના નામ ચર્ચામાં હતા, બંન્ને જુથ દ્વારા છેલ્લી ઘડી સુધી લોબિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જો કે છેલ્લી ઘડી સુધીની લડાઈ પ્રવીણાબેન રંગાણી માટે ફાયદારૂપ બની હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે બે જુથે તમામ હદ વટાવી દીધી હતી. એક બાજુ કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતના આક્ષેપો લગાવ્યા હતા તો બીજી બાજુ ભ્રષ્ટ્રાચારના આક્ષેપોના બોલતા પુરાવા રજૂ કરતા વીડિયો વાયરલ કરવામાં આવ્યા હતા. એકબીજા નેતાને નીચા પાડવા અને પોતાનાને ગોઠવવા માટે તમામ પ્રકારની હદ વટાવી હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે અલ્પાબેન તોગડિયાનું નામ છેલ્લી ઘડી સુધી મોખરે હતું, પરંતુ ભાજપ દ્રારા વિધાનસભાની ચૂંટણીમાં તેમની સીટમાં લીડ કપાઈ હોવાનું બહાનું આગળ ધરીને તેની ટીકીટ કાપવામાં આવી છે, જો કે સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે ભાજપના આંતરિક જુથવાદ અને નેતાઓના માનીતાને પદ અપાવવા માટે ચોકઠાં ગોઠવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Breaking News : રાજકોટના નવા મેયર બન્યા નયના પેઢડિયા, ડેપ્યુટી મેયર પદે નરેન્દ્રસિંહ જાડેજાના નામની પસંદગી
બીજી તરફ આજે સૌરાષ્ટ્રની રાજનીતિના એપી સેન્ટર ગણાતા રાજકોટના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટનું મેયર પર મહિલા માટે અનામત છે. ત્યારે મેયર પદ માટે નયના પેઢડિયાના નામની પસંદગી કરવામાં આવી છે. મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ નૈનાબેન પેઢડીયા ભાજપમાં ખૂબ જ સક્રિય રહેલા છે. પહેલાથી જ નયના પેઢડિયાનું નામ નિશ્ચિત માનવામાં આવતુ હતુ અને હવે મેયર તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે.