સુશોભન એ શોખનો વિષય છે, જયારે ઘરની દીવાલો માત્ર રંગથી નહીં પરંતુ કોઈ સાંસ્કૃતિક સંદર્ભ કે વાર્તાને જોડી સુશોભિત કરવામાં આવે ત્યારે દીવાલો આપણી સાથે વાતો કરતી હોય તેવો ભાવ જાગે છે. આ શબ્દો છે મડ આર્ટ સાથે સંકળાયેલા રાજકોટના આર્ટીઝન ઋચાબેન હાર્દિકભાઈ ગોસ્વામીના. રાજકોટના આ આર્ટીઝન છેલ્લા ૨૦ વર્ષથી હસ્ત કલા સાથે સંકળાયેલા છે. પ્રારંભમાં તેઓ કચ્છના ખ્યાતિ પ્રાપ્ત ભૂંગા પર મડ કલા શીખ્યા. જરૂરિયાત મુજબ તેઓએ કલાનું ફલક વિસ્તારી શહેરી વિસ્તારમાં ટ્રેડિશનલ, ફયુઝન, કન્ટેમ્પરરી આર્ટ જોડી પોતાની કલાને નિખાર આપતા ગયાં.
આ અંગેની તેમની દીર્ઘ યાત્રાનો ચિતાર વર્ણવતા તેઓ જણાવે છે કે મેં એન.સી.સી. હેડ ક્વાર્ટર, અમદાવાદ, વડોદરા રેલવે સ્ટેશન પર વેઈટિંગ રૂમ વગેરેને પણ પારંપરિક ડિઝાઇન દ્વારા સુશોભિત કરેલા છે. પ્રજાસત્તાક પર્વ પર પ્રદર્શિત થતા ટેબ્લોમાં પણ મારી કલા પ્રદર્શિત કરેલી છે. હાલ યુવા વર્ગને વધુ આકર્ષિત કરતા કન્ટેમ્પરરી માટી કામમાં સામાન્ય રીતે 45 દિવસ, રોજ 12 કલાક કામગીરી કરવી પડતી હોવાનું રુચા જણાવે છે. જેમાં કોઈ જાતના મોલ્ડ/ડાઇ નો ઉપયોગ કર્યા વગર હાથથી આકાર આપવામાં આવે છે.
ઋચાબેન કામ મેળવવા માટે સોશિયલ મીડિયાનો પણ બખૂબી ઉપયોગ કરી જાણે છે. ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેઓ પોતાની આર્ટના પ્રચાર-પ્રસાર થકી રોજગારી મેળવે છે. માસિક સરેરાશ ૩૦ હજાર જેટલી આવક સાથે વાર્ષિક ૩ લાખથી વધુની કમાણી થતી હોવાનું તેઓ ગૌરવ સાથે જણાવે છે.
તેમની સફળતા માટે તેઓ તેમના પરિવારને શ્રેય આપતા જણાવે છે કે, મારા શોખ અને કલાને પારખી મારા પતિ હાર્દિકએ હંમેશા મને સાથ આપ્યો છે. આ કલા આગળ વધે તે માટે અન્ય મહિલાઓને પણ તેઓ તૈયાર કરે છે અને તેમની સાથે કામ અપાવે છે. તેઓને ઈન્ડેક્ષ્ટ-સી તેમજ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઈલ, ભારત સરકાર દ્વારા આર્ટીઝન કાર્ડ પણ મળેલું હોઈ તેઓ વિવિધ હસ્તકલાના મેળામાં પણ ભાગ લે છે.
તાજેતરમાં પી.એમ. વિશ્વકર્મા કૌશલ સમ્માન યોજના અંગે પોસ્ટ બજેટ વેબિનારમાં આર્ટીજનને કૌશલ્ય, લોન સરળતા, માર્કેટિંગ સહિતના પાસાઓ અંગે આયોજિત દ્વિપક્ષીય વાર્તાલાપમાં તેઓએ તેમનો પ્રતિભાવ રજુ કરી નવી પેઢીના આર્ટિસ્ટને યોગ્ય ટ્રેનિંગ મળી રહે તે માટે સૂચન કર્યું હતું.માટી ઉપરાંત વુડ, પેપર આર્ટ, પેઇન્ટિંગ કલા જાણતા રુચાબેન વેકેશનમાં વર્કશોપ પણ ચલાવે છે. ઋચાબેન જેવા અનેક પ્રતિભાશાળી કલાકારો તેમની પ્રતિભા થકી પરંપરાગત હસ્તકલાના સંવર્ધનની કામગીરી નિભાવી રહ્યા છે.
આ પણ વાંચો : Breaking News: અમેરિકામાં ગેરકાયદે રીતે ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરિવારના 4 સભ્યોના મોત