Rajkot: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બુધવારની મધરાતે એક માલેતુજારના દીકરાની બેફિકરાઈભરી ઓવરસ્પીડ (Overspeed) ડ્રાઈવિંગમાં આવતી કારે 9 નિર્દોષ જિંદગીનો ભોગ લઈ લીધો હતો. ઘટનાસ્થળે મરણચીસો ગૂંજી ઉઠી હતી. આ કરૂણ દુર્ઘટના બાદ રાજ્યભરના ઓવરબ્રિજમાં સીસીટીવી કેમેરા અને ઓવરસ્પીડના બોર્ડનો મુદ્દો ગાજ્યો છે.
tv9 દ્વારા રાજકોટના ઓવરબ્રિજમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યુ જેમા ચોંકાવનારી બાબતો સામે આવી છે. જેમા રાજકોટના એકપણ ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા ન હોવાનું સામે આવ્યુ છે. એટલુ જ નહીં સૌથી ગંભીર બાબત તો એ છે કે સીસીટીવી સાથે ઓવરબ્રિજના બોર્ડ પણ લગાડવામાં આવ્યા નથી. જે મહાનગરપાલિકાની બેદરકારી દર્શાવે છે.
આ ઉપરાંત શહેરમાં માધાપર ચોક ઓવરબ્રિજ અને કેકેવી હોલ ઓવરબ્રિજ હજુ નિર્માણ પામેલા છે.
ઓવરબ્રિજમાં CCTV કેમેરા અને સ્પીડ લીમીટના બોર્ડને લઇને રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે. રાજકોટ પોલીસના અધિકારીએ દાવો કર્યો છે કે ઓવરબ્રિજમાં સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી મહાનગરપાલિકાની છે. જેનો કમાન્ડ અને કન્ટ્રોલ મહાનગરપાલિકા દ્રારા કરવામાં આવે છે. જેથી આ કામ ટ્રાફિક પોલીસનું નથી. બીજી તરફ મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા પ્રમાણે જ્યાં ટ્રાફિક પોલીસની જરૂરિયાત હોય તે સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવામાં આવતા હોય છે. ઓવરબ્રિજમાં સીસીટીવી કેમેરાને લઇને કોઇ માંગણી મૂકવામાં આવી નથી. જેથી કેમેરા લગાડવામાં આવ્યા ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Rajkot : જવેલર્સને ત્યા IT વિભાગની સતત ચોથા દિવસે તપાસ, અત્યાર સુધીમાં 5 કરોડ રુપિયાથી વધુની રોકડ મળી
આ અંગે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું હતું કે પોલીસ વિભાગ દ્રારા લોકોના જીવ બચાવવા માટે ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા અને સ્પીડ લીમીટના બોર્ડ લગાડવા જોઇએ. પોલીસ શું કોઇ દુર્ઘટનાની રાહ જોઇ રહી છે. પોલીસે ભલમનસાહી છોડીને ઓવરસ્પીડમાં જતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવી જોઇએ અને દરેક ઓવરબ્રિજમાં સીસીટીવી કેમેરા લગાડવા જોઇએ.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:59 pm, Sat, 22 July 23