રાજકોટના હિરાસરમાં નિર્માણાધિન આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ ઍરપોર્ટની કામગીરી પૂર્ણતાને આરે છે. કલેક્ટર પ્રભવ જોષીએ રાજકોટ પાસે હીરાસર ખાતે નિર્માણાધિન આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ ઍરપોર્ટની કામગીરીની સમીક્ષાર્થે સ્થળ વિઝીટ કરી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ઍરપોર્ટ ડાયરેક્ટર લોકનાથ પાધેએ પ્રેઝન્ટેશન દ્વારા કામગીરીની માહિતી પૂરી પાડતા જણાવ્યું હતું કે, ઍરપોર્ટને કાર્યરત કરવા માટે જરૂરી કામગીરી અંતિમ ચરણમાં છે.
મોટાભાગની કન્સ્ટ્રક્શન કામગીરી પૂર્ણતાના આરે છે. 3040 x 45 મી. રનવે, એપ્રોન, ટેક્સી વે, બોક્સ કલવર્ટ, આઇસોલેશન બે, ફાયર સ્ટેશન સહિતની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે એ.જી.એલ સબ સ્ટેશન 100 ટકા, ગ્રેડિંગ 100 ટકા, ઈન્ટર્નલ એપ્રોચ રોડ પૂર્ણ થઈ ગયો છે. ઇન્ટ્રીમ ટર્મિનલ બિલ્ડીંગ 95 ટકા પૂર્ણ થયો છે. પવનચક્કીઓ સાત પૈકી 6 શિફ્ટ થઈ ગઈ છે. મેઇન એપ્રોચ રોડ પૂર્ણતાના આરે છે. એપ્રોચ રોડ પર પ્લાન્ટેશન કરવામા આવ્યું છે.
વિશેષ માહિતી આપતા લોકનાથ પાધેએ જણાવ્યું હતું કે રનવે ફ્રિકશન ટેસ્ટ પૂર્ણ કરાયું છે. રનવે લાઈટ્સ, સાઈનેજ, આનુસંગિક કામગીરી પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. કન્સ્ટ્રક્શન સિવાય આનુસંગિક કામગીરીઓમાં જરૂરી સાધનો ફાયર ફાઈટર વ્હીકલ, એમ્બ્યુલન્સ, મેન પાવર CISF રાજકોટ ઍરપોર્ટ ખાતેથી શિફ્ટ કરાશે. જરૂરી ફર્નિચર માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.
નેશનલ હાઈવેથી એરપોર્ટને જોડતા ઓવર બ્રિજ, રોડ, પાણી પુરવઠો, ગ્રામજનોના સ્થળાંતર તેમજ બાઉન્ડ્રી વોલને લગતા પ્રશ્નોની વહીવટી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા આ તકે કલેક્ટર પ્રભવ જોશીએ ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ સાથે હીરાસર એરપોર્ટ આવવા માટે રાજકોટ તેમજ સુરેન્દ્રનગરથી બસની વ્યવસ્થા, પોલીસ ચોકી સહિતની કામગીરી બાબત સંબંધિત વિભાગને સૂચિત કરવા કલેક્ટર દ્વારા જણાવ્યું છે.
આ પણ વાંચો: Video: રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ ઍરપોર્ટનું એપ્રિલ મહિનામાં થશે લોકાર્પણ, 97 ટકા કામગીરી પૂર્ણ
બેઠક બાદ કલેક્ટરે હીરાસર એરપોર્ટના વિવિધ સ્થળોની કામગીરીની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. આ તકે પ્રાંત અધિકારી (ગ્રામ્ય) સંદીપ વર્મા, આરએન્ડ્ બી, પાણી પુરવઠા, પી.જી.વી.સી.એલ, ગ્રામ પંચાયત કન્સ્ટ્રક્શન કંપનીના અધિકારીઓ સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…