રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં જીરૂનો ભાવ ઓલટાઇમ હાઇ પહોંચ્યો છે.આજે માર્કેટીંગ યાર્ડમાં જીરૂના એક મણના ભાવ 5351 રૂપિયા ઉપજ્યા છે જેના કારણે ખેડૂતોને ભારે લાભ થયો છે.નિષ્ણાંતોનું કહેવું છે કે જીરૂનો ભાવ વિક્રમજનક છે અને બજારની જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા હજુ ભાવ વધી શકે છે. રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે 1050 ક્વીન્ટલ જીરૂની આવક થઇ છે.જેમાં એક મણના ભાવ 4100 રૂપિયાથી લઇને 5300 રૂપિયા ઉપજ્યા હતા.માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કામાણીના કહેવા પ્રમાણે ગત સોમવારે જીરૂનો ભાવ 5100 રૂપિયા હતો જે બાદ તેમાં મંગળવારે ભાવ સ્થિર રહ્યા હતા જ્યારે ગઇકાલે ફરી 100 રૂપિયાનો વધારો થયો હતો અને આજે ફરી 100 રૂપિયાના વઘારા સાથે મણના ભાવ 5300 રૂપિયા પહોચ્યા છે.આજે 5350 રૂપિયા ભાવ પહોંચ્યો છે જે ઓલટાઇમ હાઇ છે.
આ અંગે અતુલ કામણીએ વધુમાં કહ્યું હતું કે ગત વર્ષે જીરૂનો પાક નિષ્ફળ ગયો હતો.જેના કારણે વર્ષ દરમિયાન જીરૂનું જરૂરિયાત મુજબનું ઉત્પાદન થયું ન હતું.આ વર્ષે પણ જીરૂની આવક ખૂબ જ ઓછી છે જેના કારણે જે પણ હાજર સ્ટોક રહેલો છે તેની ડિમાન્ડ જોવા મળી રહી છે અને તેના પુરતા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં જીરૂનો ભાવ હજુ પણ વધારે પહોંચે તો નવાઇ નહિ…
એક તરફ માર્કેટીંગ યાર્ડમાં મગફળી,કપાસ અને જીરૂ સહિતના જણસીની આવક થઇ રહી છે અને બીજી તરફ હવામાન વિભાગે માવઠાંની આગાહી કરી છે ત્યારે ખેડૂતો અને વેપારીઓનું જણસીને નુકસાન ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે.હાલમાં મગફળીનો પાક ખુલ્લી જગ્યામાં પડ્યો છે જેને જો વરસાદ આવે તો ઢાંકી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખેડૂતોને પણ બે ત્રણ દિવસ પોતાની જણસી યોગ્ય રીતે ઢાંકીને રાખવા માટેની સલાહ આપવામાં આવી છે.