
એક કહેવત છે ને ના જાણ્યુ જાનકી નાથે કાલે શું થવાનું, ક્યારે કોનું મૃત્યુ લખાયેલું હોય છે એની કોઈ ખબર હોતી નથી, રાજકોટમાં થયેલા ગેમ ઝોન અગ્નિકાંડનો કલ્પાત સમવાનું નામ નથી લઇ રહ્યો, 9 બાળકો સહિત 28 લોકોને આ ગેમ ઝોનની આગ ભરખી ગઇ છે,ત્યારે આ અગ્નિકાંડમાં એક NRI પરિવારનો માળો પણ વિંખાઇ ગયો છે. કેનેડાથી લગ્ન કરવા માટે આવેલા યુવાનનું પણ પણ આ અગ્નિકાંડમાં મૃત્યુ થયું છે. આશા ભર્યો યુવાન લગ્ન કરવા માટે ભારત આવ્યો હતો, અને હજુ 4 દિવસ પહેલા જ યુગલના લગ્ન થયા હતા, નવ દંપતીનું મોત થતા સમગ્ર પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.
પરિવારના ત્રણ સભ્યો પતિ-પત્ની અને સાળીના મોત થયા હોવાની વાત સામે આવી છે, મૃતકમાં ખ્યાતિ સાવલિયા અને અક્ષય ઢોલરિયા અને હરિતાબેન સાવલીયાનો સમાવેશ થાય છે.કેનેડાથી હજારો કિલોમીટર દૂર NRI પરિવાર લગ્ન પ્રસંગ માટે વતન આવ્યો હતો, અને હવે તેના પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. અગ્નિકાંડમાં મૂળ રાજકોટના હાલ કેનાડામાં રહેતા પરિવારના ત્રણ લોકોના મોત થયા છે, જેમાં ચાર દિવસ પહેલા જ લગ્ન થયેલ યુગલ પણ સામેલ છે. ઉલ્લખનીય છે કે યુવાનની ડેડબોડી માટે અમેરિકામાં રહેતા તેના માતા પિતાના ડિએનએ ટેસ્ટ કરવામાં આવશે.
ગોજારી ઘટના
ગુજરાતના રાજકોટનો ફન ઝોન થોડાં જ સમયમાં ડેડ ઝોનમાં ફેરવાઈ ગયો હતો. ગેમિંગ ઝોનમાં અચાનક આગ નીચેથી ઉપર સુધી ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન બીજા અને ત્રીજા માળે હાજર લોકો બહાર આવી શક્યા ન હતા. પ્રવેશ અને બહાર નીકળવા માટે 6-7 ફૂટનો એક જ રસ્તો હતો. અહીં એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ રાખવામાં આવી હતી, જેના કારણે મોટી ભીડ એકઠી થઈ હતી. આગને કારણે સમગ્ર ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો હતો. 3 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના બાદ ગુજરાતના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તમામ ગેમિંગ ઝોનનું નિરીક્ષણ કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ઘટના સ્થળની મુલાકાત લેશે.
Published On - 12:58 pm, Sun, 26 May 24