ઉનાળાની કાળઝાળ ગરમીમા કચ્છ જિલ્લાના પશુઓ અને પશુપાલકોની હાલત કફોડી બને છે.કારણ કે ઉનાળામાં પશુઓને ઘાસચારો અને પાણી બિલકુલ નથી મળતા.સરહદી વિસ્તાર અને છેવાડાના એવા સૂકા મલક રાપર તાલુકાના આડેસરા ,બન્ની વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો માલધારીઓ કરી રહ્યા છે. ભર ઉનાળે આ વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. પીવા માટે પાણી તેમજ પશુઓ માટે ઘાસચારો ન મળતા નાના સરાડા સહિત અનેક ગામોના માલધારીઓ હજારો પશુઓ સાથે હિજરત કરી રાજકોટ અને રતનપર વસવાટ કરે છે.
કચ્છ જિલ્લાનો આડેસરા,બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. બન્ની વિસ્તારના ગામડાંમાં ઉનાળો શરૂ થતા પાણીની તેમજ ઘાસચારા માટેની સમસ્યા સર્જાય છે. પશુપાલક એવા માલધારીઓને પાણી અને ઘાસચારા માટે ભારે સંધર્ષ કરવો પડે છે. જેમાં નાના આડેસરા ગામના માલધારીઓ પશુઓ લઈને રાજકોટ સહિત અન્ય સ્થળે હિજરત કરી રહ્યાં છે. આ વિસ્તારના મોટાભાગના માલધારીઓ પશુપાલન સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને પાણીની સમસ્યાના કારણે પશુઓની પણ હાલત બહુ ખરાબ બનતી હોય છે.
તેમજ સાથે જ ઘાસચારાની પણ તંગી સર્જાતી હોય છે. આ વિસ્તારના માલધારીઓ અન્ય જિલ્લા અને તાલુકામાં જ્યા ઘાસચારો અને પાણી મળી રહે તેવા વિસ્તારમાં હિજરત કરી રહ્યા છે. નાના આડેસરા ગામમાં 250 જેટલા ઘરો છે, જેમાં 1600 જેટલી વસ્તી અને 16000 જેટલું પશુધન છે. ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. માલધારીઓને પાણીની સમસ્યાની સાથે સાથે ઘાસચારાની પણ સમસ્યા ઘણા સમયથી સતાવે છે. ગામમાં અત્યારથી જ ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતીત બન્યા છે.
ઉનાળાની શરૂઆતમાં માલધારીઓ પોતાના પશુઓ લઈને નીકળે છે અને એક મહિના જેટલો સમય ચાલીને હજારો પશુઓ સાથે રાજકોટના જામનગર રોડ પર ખાલી પ્લોટમાં વસવાટ કરી રહ્યા છે. તેમ જ આ માલધારીઓ દ્વારા સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ પાસે ઘાસચારો અને પાણીની વ્યવસ્થાઓની પણ માંગ કરી રહ્યા છે ત્યારે માલધારીઓની પણ માંગ છે કે સરકાર દ્વારા કચ્છમાં નાના નાના ગામોમાં દર ઉનાળે પાણી તેમજ ઘાસ સારા માટેની પશુઓ માટે વ્યવસ્થા કરવામાં આવે તો માલધારીઓને પોતાના પશુઓ લઈ હિજરત ન કરવી પડે.
આડેસર વિસ્તારના પશુપાલકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીની સમસ્યાના લીધે જ માલધારીઓને હિજરત કરવી પડી રહી છે. આ વિસ્તાર એકદમ ખુલ્લો વિસ્તાર છે આ વિસ્તારને મૂકીને કોઈ જાય નહીં પરંતુ અહીં પાણી અને ઘાસચારાની સમસ્યાના કારણે હિજરત કરવી પડી રહી છે .બાળકોનું ભણતર પણ આ પાણીની સમસ્યાના કારણે જ બગડી રહયું છે.માલધારીઓ રાજકોટ અંજાર તેમજ ભચાઉ આમ વિવિધ ગામોમાં હિજરત કરી રહ્યા છે.આ સમસ્યા કાયમ માટે દૂર કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…