વેરાવળના પ્રતિષ્ઠિત તબીબ ડૉ અતુલ ચગના આત્મહત્યા કેસમાં પરિવારજનોએ ફરિયાદ આપ્યા બાદ પણ હજુ સુધી પોલીસ ફરિયાદ રજીસ્ટ્રર થઇ નથી. આ ઘટનાના રાજ્યભરમાં ધેરા પ્રત્યાધાતો પડ્યા છે.આજે રાજકોટ શહેર લોહાણા સમાજ દ્રારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. લોહાણા સમાજના પ્રમુખ રાજુ પોબારૂની અધ્યક્ષતામાં સમાજના આગેવાનો સહિત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ડો.અતુલ ચગના કેસમાં ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી.
આ અંગે લોહાણા સમાજના પ્રમુખ રાજુ પોબારુએ કહ્યું હતું કે ડૉ. અતુલ ચગ વેરાવળના પ્રતિષ્ઠિત તબીબ છે. સેવાભાવી વ્યક્તિને આ પ્રકારનું કૃત્ય કરવું પડે તે કેટલું વ્યાજબી અને આ થયા બાદ પોલીસ ફરિયાદ લેતી નથી. જો ડોક્ટર કક્ષાની વ્યક્તિ સાથે આવું થાય તો સામાન્ય વ્યક્તિ સાથે શું થઇ શકે તે વિચારવું જોઇએ. સરકારે આ કિસ્સામાં તાત્કાલિક પગલાં લઇને પરિવારને ન્યાય અપાવે.
અગ્રણી તબીબ ડૉ નિશાંત ચોટાઇએ કહ્યું હતું કે ડૉઅતુલ ચગના આત્મહત્યાને 10-10 દિવસ વિતી ગયા છે.આવા કિસ્સામાં પોલીસ ફરિયાદી બનવી જોઇએ પરંતુ ફરિયાદ નોંધાઇ રહી નથી. પરિવારે ચાર દિવસમાં લેખિત ફરિયાદ આપી દીધી છે છતા પણ ફરિયાદ દાખલ નથી થઈ. જે ગંભીર બાબત કહેવાય છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. લલીતાકુમારીના કેસમાં કોર્ટે જે રીતે અવલોકન કરીને ચુકાદો આપ્યો હતો તેને ટાંકીને આ કેસમાં પણ સુસાઈડ નોટના આધારે એકક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોલીસે એફઆરઆઇ દાખલ કરવી જોઇએ.
આ કિસ્સામાં ડૉ.અતુલ ચગના પરિવારજનો દ્રારા સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. લોહાણા સમાજે માંગ કરી છે કે આ કિસ્સામાં પોલીસ પર સત્તાધારી પક્ષનું દબાણ હોય છે અને સાંસદ પોતે સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા છે ત્યારે આ રાજકીય દબાણ દુર કરવું જોઇએ અને સામાન્ય લોકોના કેસમાં જે રીતે પોલીસ તાત્કાલિક અસરથી કામગીરી કરે છે તે રીતે આ કિસ્સામાં પણ કરે તેવી માંગ કરી હતી.
ડૉ.અતુલ ચગ એક સેવાભાવી તબીબ તરીકે જાણીતા હતા. કોરોના કાળમાં દરેક વ્યક્તિને તેઓ મદદરૂપ થયા છે અને અનેક વ્યક્તિઓને જીવતદાન પણ આપ્યું છે. આજે જ્યારે તેઓ આ દુનિયામાં નથી ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને સર્વ સમાજ સંગઠન દ્રારા 22 ફેબ્રુઆરી બુધવારે સર્વ સમાજ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે જેમાં દરેક સમાજને જોડાવાની માંગ કરાઇ છે. આ પ્રાર્થનાસભા સાંજે 5-30 વાગ્યે લોહાણા મહાજન વાડી ખાતે યોજાશે જેમાં દરેક સમાજના લોકો જોડાશે.
Published On - 4:48 pm, Tue, 21 February 23