રાજકોટ(Rajkot)જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજે કલેકટર(Collector)અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના નિકાલ માટે સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જસદણ વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા તેમજ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા એ તેમના વિસ્તારમાં જનસેવાના કામો અંગે કરવાની થતી કાર્યવાહી અને તેના નિકાલ માટે રજુ કરેલ પ્રશ્ન અંગે સંબંધિત વિભાગ દ્વારા જવાબ આપી સત્વરે કામગીરી કરવા અંગે ખાતરી આપવામાં આવી હતી.કલેકટરે દબાણ હટાવવાની કામગીરી તેમજ ગ્રામ્ય રસ્તાના કામો ઉપરાંત એસટી સેવા અને જુદાજુદા વિભાગો વચ્ચે સંકલન કરીને સોમવાર સુધીમાં જરૂરી અહેવાલ કરવા પણ જણાવ્યું હતું. જે કોન્ટ્રાક્ટ એજન્સીઓ સમયમર્યાદામાં કામ પૂર્ણ ના કરે એમને બ્લેકલિસ્ટ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી.
પીવાના પાણીના પ્રશ્નો તેમજ આવશ્યક સેવા અંગે તાલુકા કક્ષાએ પણ સમયાંતરે રીવ્યુ કરવા સૂચના આપવામાં આવી હતી. જુદી જુદી યોજનાઓના ખાસ કરીને સામાજિક સેવા અંગેના લાભાર્થીઓને તાલુકા કક્ષાએ લાભ મળે તે માટે સંબંધિત અધિકારીઓને દરેક તાલુકામાં કેમ્પ કરવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અગાઉ કુંવરજી બાવળિયાએ અધિકારીઓને ફરિયાદ કરતા કહ્યું હતું કે કોન્ટ્રાક્ટ કંપની પેટા કોન્ટ્રાક્ટરોને કામ આપી દે છે જેના કારણે પેટા કોન્ટ્રાક્ટર પોતાની જવાબદારી ન હોય તે રીતે આ કામ સમય મર્યાદામાં પુરા થતા નથી જેથી અંતે તો લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે ત્યારે કુંવરજી બાવળિયાની ફરિયાદના આધારે વહીવટી તંત્રએ કોન્ટ્રાકટરો સામે લાલઆંખ કરી છે.
આ બેઠકમાં ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર શ ધીમંત કુમાર વ્યાસ ,રૂરલ એસપી બલરામ મીણા, અધિક કલેકટર ઠક્કર તેમજ પ્રાંત અધિકારીઓ અને સંબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Kheda: વડતાલધામમાં રંગોત્સવની દબદબાભેર ઉજવણી, કેસુડાના જળથી હરિભક્તો રંગે રંગાયા
આ પણ વાંચો : સાબર ડેરીએ એક મહિનામાં બીજી વાર વધાર્યા દૂધના ખરીદ ભાવ, પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો