Rajkot: આત્મીય યુનિવર્સિટીના સંચાલક ત્યાગવલ્લભ સ્વામી અને તેમના મળતીયાઓ દ્વારા આત્મીય યુનિવર્સિટી સાથે 33 કરોડની છેતરપિંડીના આરોપ અંગે કોંગ્રેસ પણ મેદાને આવી છે. કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂતે મુખ્યપ્રધાનને પત્ર લખીને આત્મીય યુનિવર્સિટીના સંચાલકો સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે અને આત્મીય યુનિવર્સિટીનો વહીવટ સરકાર હસ્તગત લેવા માગ કરી છે.
મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં કોંગ્રેસ નેતાએ આત્મીય યુનિવર્સિટીના સંચાલકો સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સર્વોદય કેળવણી મંડળને નોન પ્રોફીટેબલ હેતુ માટે જમીન આપી હતી.આ પ્રકારના શૈક્ષણિક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી નજીવી ફી લેવાની હોય છે જેની સામે આત્મીય યુનિવર્સિટીમાં 20-20 હજાર જેટલી મસમોટી વાર્ષિક ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાય છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડા ડૉ સમીર વૈદ્ય સામે પણ આરોપ છે. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. કોંગ્રેસે સરકાર પાસે માગ કરી છે કે આત્મીય યુનિવર્સિટીનો વહીવટ સરકાર પોતાના હસ્તગત કરી લે અને સંસ્થામાં વહીવટ હેતુસર સિનિયર અધિકારીની નિમણુંક કરવા પણ માગ કરી છે.
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આત્મીય સંકુલમાં ૩૩ કરોડની છેતરપિંડી કેસમાં પોલીસે સાધુ ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્યને પોલીસે નોટિસ આપતા કોર્ટમાં જામીન અરજી કરી હતી. આજે રાજકોટની સેશન્સ કોર્ટમાં બંન્ને પક્ષોએ દલીલ કરી હતી. જો કે કોર્ટે બંન્ને પક્ષોની દલીલ સાંભળીને ચુકાદો આવતીકાલ પર મુલત્વી રાખ્યો છે. હાઇપ્રોફાઇલ કેસમાં કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે.
Published On - 9:44 pm, Mon, 26 June 23