Rajkot: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થયો છે અને તેવા સમયે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી કેથલેબ બંધ હાલતમાં છે. સિવિલ હોસ્પિટલે દાવો કર્યો છે કે કેથલેબમાં ટેક્નિકલ ખામી સર્જાય છે, જો કે કોંગ્રેસે તંત્રની બેદરકારીની પોલ ખોલતા આક્ષેપ લગાવ્યો છે કે કેથલેબની મશીનરી વર્ષો સુધી ધૂળ ખાતી પડી રહી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં યુવાનોમાં હ્રદયરોગના કિસ્સાઓમાં વધારો થયો છે. છેલ્લા 48 કલાકમાં જ હ્રદય રોગને કારણે 6 જેટલા યુવાનોમાં મોત થયા છે અને તેવા સમયે જ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી એવી રાજકોટ સિવિલ હોસ્પિટલની કેથલેબને તાળા લાગી ગયા છે. ગત 2 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 10 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી કેથ લેબનું લોકાર્પણ કર્યું હતું આ લેબ સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આર્શીવાદરૂપ ગણાવી હતી, પરંતુ 10 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી આ લેબ 10 દિવસ જ ચાલી અને છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં પડી છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ આર.એસ.ત્રિવેદીએ દાવો કર્યો છે કે કેથ લેબમાં સોફ્ટવેર અને હાર્ડવેર પ્રોબ્લેમ જોવા મળ્યો છે. આ માટે સબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી છે. રિપેરીંગ કામ થયા બાદ 48 કલાક સુધી ઓબ્ઝર્વેશન કરવામાં આવશે અને ત્યારબાદ આ કેથલેબ ફરી કાર્યરત કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગુરૂવાર સુધીમાં આ કેથલેબ ફરી કાર્યરત થઈ જશે.
જો કે આ મુદ્દે કોંગ્રેસે સિવિલ હોસ્પિટલના તંત્ર સામે ગંભીર પ્રકારનો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા અને તબીબ ડૉ.હેમાંગ વસાવડાએ આક્ષેપ લગાવતા કહ્યું હતું કે 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી કેથ લેબમાં ગણતરીના દિવસોમાં સમસ્યા ઉભી થવા પાછળ તંત્રની બેદરકારી જવાબદાર છે. તંત્ર દ્રારા બે વર્ષ પહેલા આ મશીનરીની ખરીદી કરવામાં આવી હતી અને બે વર્ષ સુધી મશીનરી ધુળ ખાતી પડી રહી છે જેના કારણે તેનો ગેરંટી અને વોરંટી પિરીયડ પુરો થઇ ગયો છે. તંત્રના વાંકે પ્રજાના રૂપિયાનું પાણી થઇ રહ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેથલેબ શરૂ થઈ ત્યારથી જ દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે. શરૂ થતાની સાથે જ 15 જેટલા દર્દીઓની એન્જીયોગ્રાફી કરાવવામાં આવી હતી પરંતુ છેલ્લા 10 દિવસથી આ કેથલેબ બંધ હાલતમાં છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હ્રદય રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે આ કેથલેબ ગરીબ દર્દીઓ માટે આર્શીવાદરૂપ છે, પરંતુ તંત્રના વાંકે આ લેબ બંધ હોવાથી ન છુટકે ગરીબ દર્દીઓને અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો