RAJKOT : મોટી દુર્ઘટના ટળી, ઓવરબ્રિજની કામગીરી દરમિયાન ક્રેઇન કાર પર ખાબકી, 7 લોકોનો બચાવ

|

Feb 08, 2023 | 1:28 PM

RAJKOT માં તંત્રની ઘોર બેદરકારી ફરી છતી થઇ છે. ગોંડલ ચોકડી પાસે ઓવરબ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ પરથી ક્રેઇન એક કાર પર પડી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ.

રાજકોટમાં ફરી એકવાર તંત્રની કામગીરી દરમિયાન ઘોર બેદરકારી સામે આવી છે. જોકે ક્રેઇન ડ્રાઇવરની બેદરકારીને કારણે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઇ છે. આ ઘટના બની ગોંડલ ચોકડી પાસે કે જ્યાં ઓવરબ્રિજ પર કામકાજ ચાલી રહ્યુ હતું. તે દરમિયાન ઉપરથી 40 ફૂટ નીચે ક્રેઇન પડી ગઇ. ઘટના સમયે નીચે એક ઇકો કારમાં સાત લોકો સવાર હતા. જો કે, તે લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ કારને ભારે નુકસાન થયું છે. ક્રેઇન પડ્યા બાદ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. તેથી થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પરંતુ ઘટનાને લઇ અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે.

કારણ કે, સ્થાનિકોના દાવા મુજબ, આજે બુધવાર હોવાથી શાપર ઇન્ડસ્ટ્રીઝ બંધ હતી. તેથી અહીં વાહનોની અવર જવર પણ ઓછી હતી. નહીં તો સામાન્ય દિવસોમાં આજ કરતા ત્રણથી ચાર ઘણા વાહનો આવતા જતા હોય છે. સ્થાનિકોનો એવો પણ દાવો છે કે, જો આ ઘટના અન્ય દિવસોમાં બની હોત તો મોટી જાનહાની થઇ હોત.એટલું જ નહિં સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ બ્રિજનું કામકાજ ખુબ જ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યુ છે.. અને ક્રેઇન ચાલકો બદરકારી પણ દાખવતા હોય છે. અને આ ક્રેઇન ચાલકની બેદરકારીના કારણે જ ઘટના બની છે.

આ ઘટનાને કારણે થોડીકવાર માટે હાઇવે પર અવરજવરને અસર થઇ હતી. અને, રાજકોટ શહેરમાં પ્રવેશવા માગતા વાહનોનો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઘટનાને પગલે રાજકોટવાસીઓમાં અનેક સવાલોએ જન્મ લીધો હતો.

Next Video