Rajkot: રાજકોટ ભાજપે મોરચાના હોદ્દેદારોની જાહેરાત કરતાની સાથે જ ભડકો થતા તાત્કાલિક જાહેરાત સ્થગિત કરવી પડી હતી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્રારા શહેરના 18 વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરવામાં આવી હતી. જો કે આ વરણી થતાની સાથે જ સંગઠનમાં ભડકો થયો હતો અને પ્રભારીઓની વરણી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી હતી. હોદ્દેદારોની જાહેરાત સાથે જ વિવાદ સર્જાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
આ અંગે ટીવીનાઇન સાથે વાતચીત કરતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું હતું કે પ્રોટોકોલ પ્રમાણે દરેક મોરચાના પ્રદેશ કક્ષાએ આ નામો મોકલવાના હોય છે, પરંતુ આ અમારી શરતચૂક હતી. જેથી આ નિમણૂક હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. પ્રદેશ કક્ષાએથી માર્ગદર્શન લઈને આગળ વધવામાં આવશે.
આ ઉપરાંત દરેક મોરચામાં બે બે મહામંત્રીઓની પણ નિમણૂક કરાઇ હતી.
સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે યુવા મોરચાએ આ નિમણૂકનો વાંધો ઉઠાવ્યો હતો. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે મોરચાની નિમણૂકને પ્રોટોકોલ પ્રમાણે પ્રદેશ સંગઠન સાથે પરામર્શ કરીને કરવી જોઇએ તેવી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. જેના કારણે આ નિમણૂક સ્થગિત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. યુવા પ્રમુખના નામને લઇને વિવાદ સર્જાતા આ નિમણૂક સ્થગિત રાખવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો