Rajkot AIIMS: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આરોગ્ય માટે મહત્વના સમાચાર, રાજકોટ એઈમ્સમાં ડિસેમ્બર સુધીમાં OPD શરૂ થઈ શકે છે

|

Jun 25, 2021 | 10:06 PM

Rajkot AIIMS: એઇમ્સના નિર્માણ કાર્યને લઈને એઇમ્સના ડાયરેક્ટર અને અધિકારીઓએ પરાપીપળીયા ગામે નિમાર્ણ પામતી એઇમ્સની મુલાકાત કરી

Rajkot AIIMS: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના આરોગ્ય માટે મહત્વના સમાચાર છે કે રાજકોટ એઇમ્સ(All India Institute of Medical Sciences)માં ડિસેમ્બર સુધીમાં ઓપીડી શરૂ થઇ જશે. હાલમાં એઇમ્સનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

એઇમ્સના નિર્માણ કાર્યને લઈને એઇમ્સના ડાયરેક્ટર અને અધિકારીઓએ પરાપીપળીયા ગામે નિમાર્ણ પામતી એઇમ્સની મુલાકાત કરી હતી. 2022માં સુધીમાં એઇમ્સમાં 50 બેડ તૈયાર થઈ જશે તેમજ હાલમાં અલગ અલગ ભવનોનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ડ્રિમ પ્રોજેક્ટ એવા રાજકોટ એઇમ્સની હાલ પૂરજોશથી કામગીરી ચાલી રહી છે. પરાપીપળીયા ગામ નજીક 201 એકરમાં 750 બેડની મલ્ટિ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એકેડેમિકની સુવિધાનું કામ પ્રગતિ પર છે.

જોકે આનંદની વાત એ છે કે ટૂંક જ સમયમાં  50 બેડની ઇન્ડોર હોસ્પિટલ દ્વારા દર્દીની સારવાર શરૂ કરી દેવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બર 2021 સુધીમાં OPD શરૂ કરવાનો નિર્ધાર AIIMSના ડાયરેક્ટરે વ્યક્ત કર્યો છે. સાથે જ જૂન 2022 સુધીમાં ઇન્ડોર દર્દીઓની સારવાર શરૂ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

આ સાથે જ ENT, ગાયનેક, મેડિસિન, સર્જરી સહિતની 50 બેડની હોસ્પિટલનો પણ પ્રારંભ કરી દેવાશે જેના માટે ડોક્ટર્સ, મેડિકલ ટીમ, અને અન્ય સ્ટાફની ભરતી પ્રક્રિયા તેજ કરી દેવાઇ છે.

વિશાળ જગ્યામાં નિર્માણ પામનાર એઇમ્સની બિલ્ડીંગ નિર્માણ સહિત કાર્યવાહી જલ્દી પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત એઇમ્સ પહોંચવા રસ્તાઓની ફિકવનસી વધારવામાં આવશે તો એઇમ્સની બાજુના ખંઢેરી રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવશે તેમજ એઇમ્સથી હીરાસર એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર પણ બનવવામાં આવશે.

જે રીતે એઇમ્સમાં ભરતી પ્રક્રિયા કરાશે તેનાંથી ઘણા લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળશે. એઇમ્સના અલગ અલગ બિલ્ડીંગોમાં જરૂરિયાત મુજબ સ્ટાફ તેમજ અન્ય ક્ષેત્રોમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે જેમાં ઘણી ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે.

1250 કરોડના ખર્ચે તૈયાર થનારી 750 બેડ ધરાવતી એઈમ્સમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્ય શરૂ થશે. એઇમ્સના સંચાલન માટે અત્યારથી જ 5000થી વધુના સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે. ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓપીડીથી લઈ ટ્રોમા સેન્ટર સુધીના તમામ ઇમરજન્સી કેસને હેન્ડલ કરવામાં આવશે.

200 એકર જમીન પર નિર્માણ થનાર એઈમ્સમાં તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તે માટે કોલેજ પણ કાર્યરત કરાશે. આ બંને શાખાઓમાં તબીબો, પેરા મેડિકલ, લેબ, ફાર્મસી, કિચન, લોન્ડરી, મેડિકલ ગેસ, સહિતના વિભાગોમાં સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ સ્ટાફની જરૂરિયાત પણ ઉભી થશે.

શૈક્ષણિક વિભાગમાં પ્રોફેસર, તેમજ અન્ય સપોર્ટિંગ સ્ટાફની પણ જરૂરિયાત મોટાપાયે થશે. આ ઉપરાંત સિક્યોરિટી, ભોજન, સફાઈ સહીત અનેક ક્ષેત્રે ખાનગી સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે. રાજકોટ ખાતે મોટાપાયે રોજગારીનું સર્જન થશે.

Next Video