આપણા દેશમાં કુરિવાજોને નાથવાની વાત થાય છે. જૂના કુરિવાજો, નિયમો ભૂલીને ભાઈચારાથી એક સાથે રહેવાની વાત થાય છે. પરંતુ હજી પણ ક્યાંકને ક્યાંક ગામડાઓમાં અસ્પૃશ્યતા જેવી માનસિકતા લોકોના માનસમાં વસેલી છે તેમ જણાઈ આવે છે. જેને કારણે કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે .આવી જ એક ઘટના ધ્રોલ તાલુકામાં સામે આવી છે. રાજકોટના ધ્રોલ તાલુકામાં ગોલિટા ગામમાં જ આવી ઘટના સામે આવી છે. જેમાં અનુસૂચિત જાતિના વ્યક્તિને ઢોર માર મારી જાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
પડધરી તાલુકાના ખોખરી ગામે રહેતા અને ભોગ બનનાર પ્રવીણ ભાઈ ચૌહાણે Tv9 સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ તેમની પત્ની અને દીકરી સાથે ધ્રોલ તાલુકાના ગોલીટા ગામે રામાપીરના મંદિરે રામાપીરનું આખ્યાન જોવા ગયા હતા. ત્યારબાદ રાત્રીના 11.30 વાગ્યા આસપાસ તેમની પત્ની અને પુત્રી રામામંડળમાં રૂપિયા ઉડાડવા ગયા હતા. ત્યારબાદ મારી પત્ની અને પુત્રીને મહિલાઓ જ્યાં બેઠી હોય ત્યાં ફરી બેસાડવા ગયો હતો, મહત્વનું છે કે, પત્ની અને દીકરીને મૂકી ભોગ બનનાર વ્યક્તિ ત્યાંથી દૂર જતો રહ્યો હતો. થોડીવાર બાદ ફરી આ ઇસમ પત્ની અને પુત્રીને પાણીની બોટલ આપવા ગયો તે સમયે ગામના સરપંચ રમેશ ભાઈ કોલર પકડીને બહાર લઈ ગયા અને અન્ય શખ્સો સાથે મળીને ઢોર માર માર્યો અને જાતિ વિષયક શબ્દો બોલાયા હતા અને ઢોર માર મારતા પ્રવીણ ભાઈના કાનનો પડદો ફાટી ગયો હતો અને કમરના ભાગે માર વાગવાથી ખૂબ જ દુખાવો થતા સારવાર લેવાની જરૂરિયાત ઉભી થઇ હતી.
આ ઘટનામાં ભોગ બનનાર ઇસમના પત્ની દક્ષાબેન ચૌહાણ પડધરી તાલુકા પંચાયતના પ્રમુખ છે. Tv9 સાથે વાત કરતા દક્ષાબેનએ જણાવ્યું હતું કે, તેઓ અનુસૂચિત જાતિમાંથી આવતા હોવાથી તેમની સાથે આ ઘટના બની. દક્ષાબેને આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા FIR તો નોંધવામાં આવી છે. પરંતુ આરોપીની ધરપકડ હજી સુધી કરવામાં નથી આવી. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ઉચ્ચ અધિકારી તેમનું નિવેદન લેશે પરંતુ ઘટનાને 3 દિવસ થઈ ગયા હોવા છતાં તેમનું કોઈ નિવેદન લેવામાં નથી આવ્યું તેમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતમાં આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી, વરસાદ બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા
પોલીસે ગોલીટા ગામના સરપંચ રમેશ ભાઈ અને પડધરીના દશરથસિંહ જાડેજા નામના વ્યક્તિ સામે એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. મહત્વનું છે હજી પણ સમાજમાં અસ્પૃશ્યતા અને જાતિ પ્રત્યે હડધૂત કરવાના બનાવો સમયાંતરે બહાર આવતા રહે છે. જે ખુબ ચિંતાજનક બાબત છે. આવા કૃત્ય કરનાર સામે કાયદેસરના પગલા લેવાશે તેવું પણ પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:20 am, Wed, 5 April 23