
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલમાં જે ઈમરજન્સી વિભાગ છે. તેમાં કોઈપણ કેસ આવે એટલે સ્થળ પર ફરજ બજાવનાર મેડિકલ ઓફિસર દર્દીને પ્રાથમિક સારવાર આપી એ કેસ કઈ ફેકલ્ટીનો છે તે નક્કી કરી જે તે વિભાગનો સંપર્ક કરે છે અને તે વિભાગના તબીબો ઈમરજન્સી વિભાગમાં આવીને પોતાનો અભિપ્રાય આપે છે. આ ઉપરાંત ઘણા કિસ્સાઓમાં દર્દી ઈમરજન્સી વિભાગમાં આવ્યા બાદ ત્રણ-ત્રણ દિવસ સુધી તે જ વોર્ડમાં રહે છે. આ ઈમરજન્સી મેડિસિન વિભાગ આખી પ્રક્રિયા જ બદલી નાખશે.
તબીબી અધિક્ષક ડોક્ટર આર એસ ત્રિવેદીના જણાવ્યા અનુસાર ઈમરજન્સી મેડિસિન વિભાગ નવો શરૂ કરવામાં આવશે અને આ વિભાગના વડાની પણ નિયુક્તિ થશે. આ વિભાગમાં ફક્ત મેડિકલ ઓફિસરને બદલે મેડિસિન ,સ્કીન, એનેસ્થીસિયા, સર્જરી સહિતના નિષ્ણાંત તબીબોને નિયુક્ત કરીને કમ્બાઉન્ડ ફેકલ્ટીનું સ્વરૂપ અપાશે.
ઈમરજન્સી કેસ આવે એટલે તરત જ સ્થળ પર હાજર ફેકલ્ટી દ્વારા દર્દીને ઝડપથી અને યોગ્ય સારવાર અપાશે. ઉપરાંત દાખલ થયેલા દર્દીને 24 જ કલાકમાં એ દર્દીને જે વિભાગ લાગુ પડતો હશે. તે વિભાગમાં શિફ્ટ કરી દેવામાં આવશે. જે કારણે દર્દીઓનું વિભાગીકરણ ઝડપથી થાય અને દર્દીઓને પહેલા કરતા વધુ સારી સેવા મળી રહે.
આ ઈમરજન્સી મેડિસિન વિભાગ નવી બિલ્ડીંગના બે માળમાં કાર્યરત થશે. હાલમાં જૂની ઈમારતમાં ચાલતા બર્ન્સ વોર્ડ, પાર્કિંગ સહિતના વિભાગોના સ્થાને 12 માળની અત્યાધુનિક બિલ્ડીંગ બનશે. જેના બે માળમાં આ વિભાગ શરૂ થશે. HOD સાથે બેઠક એજન્સીની નિમણૂક સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આખરી ડિઝાઈન આ વર્ષમાં તૈયાર થતા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આ બિલ્ડીંગ તૈયાર થશે.
જનાના હોસ્પિટલ નવી બની રહી છે અને હવે તેમાં જ બાળકોની હોસ્પિટલ શિફ્ટ કરી દેવાશે. આ કારણ હાલ જે કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલનું બિલ્ડીંગ છે તે ખાલી થશે. જોકે આ બિલ્ડિંગ શરૂ થતા પહેલા જ નવા બિલ્ડીંગનું આયોજન થઈ રહ્યું છે.
હાલ ઓપીડી બિલ્ડીંગમાં બ્લડ બેન્ક ચાલે છે. જોકે સમયની જરૂરિયાત કરતા બ્લડ બેન્કની જગ્યા ખૂબ જ નાની છે. નવી ઈમારત કે જે 67000 ચોરસ કિલોમીટરનું બાંધકામ ધરાવશે, તેમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. નવી બિલ્ડીંગમાં કોઈ એક ભાગ આપવાને બદલે આખો માળ જ બ્લડબેંકને આપી દેવામાં આવશે. જેથી હાલ જે 2200 જેટલી બ્લડ બેગ રાખવાની સંગ્રહ ક્ષમતા છે. તે અનેક ગણી વધી જશે. ઉપરાંત અત્યારે એક કે બે જ વ્યક્તિઓ રક્તદાન કરી શકે છે તેના બદલે એક સાથે 10 વ્યક્તિઓ રક્તદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…