Rajkot: માવઠાના માર વચ્ચે રાજકોટ બેડી યાર્ડમાં ખેડૂતને મણ ઘઉંએ 900 રૂપિયા ભાવ મળતા ખુશખુશાલ

Rajkot: માવઠાના માર વચ્ચે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને ઘઉંના સારા ભાવ મળતા ખેડૂત ખુશ ખુશાલ થયા છે. ખારચીયા ગામના જયંતિભાઈને તેમના ઘઉંના મણે 900 રૂપિયા ઉપજ્યા છે. તેમનુ કહેવુ છે કે આ ઘઉં પ્રિમીયર ક્વોલિટીના હતા અને માવઠામાં સારી રીતે વેપારીએ માવજત કરી હતી.

Rajkot: માવઠાના માર વચ્ચે રાજકોટ બેડી યાર્ડમાં ખેડૂતને મણ ઘઉંએ 900 રૂપિયા ભાવ મળતા ખુશખુશાલ
| Edited By: | Updated on: Apr 06, 2023 | 5:31 PM

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠાને કારણે રવિ પાકને મોટું નુકસાન થયું છે.  ક્યાંક મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે તો ક્યાંક ઘઉંની કવોલિટી નબળી પડી ગઇ છે. આવી પ્રતિકુળ પરિસ્થિતિ વચ્ચે રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં ઘઉં વેચવા આવેલા રાજકોટના ખારચીયા ગામના જયંતિભાઇ ગોરધનભાઇ ભુવા નામના ખેડૂતને ઘઉંના એક મણના 900 રૂપિયા ઉપજ્યાં છે.

આ ભાવ સામાન્ય ભાવ કરતા લગભગ બમણાં કહી શકાય. ગત 5 એપ્રિલના રોજ જયંતિભાઇએ પોતાની પાસે રહેલા 193.85 મણ જેટલા ઘઉં 900 રૂપિયા લેખે વેચતા ખર્ચ બાદ કરતા 1.70 લાખ રૂપિયાની ઉપજ થઇ હતી. જેના કારણે ખેડૂતે ખુશી વ્યક્ત કરી હતી.

આ ઘઉં પ્રિમીયર ક્વોલિટીના હતા, માવઠામાં સારી રીતે માવજત કરી- વેપારી

આ અંગે વિગત આપતા એસ.વી.પટેલ એન્ડ કંપનીના માલિક અને ઘઉં ખરીદનાર વેપારી અમિતભાઇ પટેલે કહ્યું હતું કે જયંતિભાઇના ઘઉંની ક્લોલિટી ખૂબ જ પ્રિમિયર કક્ષાની હતી. તેના ઘઉંમાં ચમક હતી જેના કારણે તેને આટલો ભાવ ઉપજે છે. આ પ્રકારના ઘઉં બહારના રાજ્યોમાં એક્સપર્ટ કરી શકાય તે પ્રકારની ક્વોલિટી હતી.સાથે સાથે માવઠા સમયે પણ તેઓએ ઘઉંની માવજત કરી હતી અને ઘઉં અગાઉથી ખેતરમાંથી કાઢીને યોગ્ય રીતે સાચવણ કરી હતી જેના કારણે આટલો સારો ભાવ મળ્યો.

આ પણ વાંચો: માવઠાંના કારણે અમરેલી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું, રાજ્ય સરકારે કરેલા સર્વે બાદ કૃષિમંત્રીએ આપી માહિતી

હાલમાં ઘઉંના મણના 450 થી 600 રૂપિયા ઉપજે છે

રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં દરરોજ ઘઉંની હરરાજી થાય છે.રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કમાણીએ ટીવીનાઇન સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ઘઉંની જે હરરાજી થાય છે તેમાં ખેડૂતને મણે 450 થી 600 રૂપિયા ભાવ ઉપજે છે.આ વખતે માવઠાને કારણે ઘઉંની ગુણવત્તા ઘટી ગઇ છે જેના કારણે એવરેજ 450 થી 500 રૂપિયા મણે ઉપજે છે પરંતુ જો સારી ગુણવત્તા હોય તો 600 રૂપિયા સુધી ભાવ મળી શકે છે.જે ખેડૂતને 900 રૂપિયા ભાવ મળ્યો છે તે ખુબ જ સારો ભાવ કહેવાય પરંતુ બજારનો ભાવ આ નથી કોઇ ખેડૂતને ક્યારેક આવા ભાવ મળે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 5:28 pm, Thu, 6 April 23

Follow Us
Loading...
Unable to load recommendations.