રાજકોટના (Rajkot) નામાંકીત બિલ્ડર ગ્રુપ આર.કે અને ગંગદેવ ગ્રુપ પર ચોથા દિવસે ઇન્કમ ટેક્સ(IncomeTax) વિભાગનો સર્વે ચાલી રહ્યો છે. હવે આર.કે ગ્રુપની ઓફિસો અને રહેણાંક મકાનને બાદ કરતા મોટાભાગે તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે ચાર દિવસની કાર્યવાહી દરમિયાન અંદાજિત 300 કરોડના બિનહિસાબી વ્યવહારો હાથ લાગ્યા છે. જેને લઇને તપાસ તેજ કરવામાં આવી છે.
ઇન્કમ ટેક્સ વિભાગ દ્રારા ગત રાત્રીના કોથળાં ભરીને સાહિત્ય ઇન્કમ ટેક્સ કચેરીમાં ઢાલવવામાં આવ્યું છે. આ સાથે સાથે કેટલાક બેંક ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે અને સોનું તથા રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી છે.
જે અંગે આગામી દિવસોમાં તપાસ હાથ ધરવામાં આવશે. આ અંગે ઇન્કમ ટેક્સ વિભાગ દ્રારા ટૂંક સમયમાં સત્તાવાર માહિતી પણ જાહેર કરવામાં આવશે. જેમાં મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવે તેવી પૂરી શક્યાતા છે.
સોનું અને મિલકતોની વેલ્યુએશન નક્કી કરાઇ
ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં મોટા પ્રમાણમાં સોનું કબ્જે કરવામાં આવ્યું છે જ્યારે અનેક અંડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગો પણ છે જેને લઇને ઇન્કમ ટેક્સ વિભાગ દ્રારા વેલ્યુએશન નક્કી કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં કેટલીક મિકલતોની વેલ્યુએશનની આકારણી ઓછી કરવામાં આવી હતી. જેના કારણે ઇન્કમ ટેક્સ વિભાગે વેલ્યુઅરની મદદ લીઘી છે અને તમામ મિલ્કતોની વેલ્યુએશન નક્કી કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે.
કાચી ચિઠ્ઠીના વહીવટ પકડી પાડવામાં આવ્યા
ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં આર.કે ગ્રુપની ઓફિસો અને અન્ય ઠેકાણાંઓમાંથી કેટલીક કાચી ચીઠ્ઠીઓ કબ્જે કરવામાં આવી છે. આ ચિઠ્ઠીઓમાં કેટલાક મિલ્કતોના સોદ્દા અને તેના કારણે થયેલા બિનહિસાબી વ્યવહારોની માહિતી છે. જેને ઇન્કમટેક્સ વિભાગે કબ્જે કરીને આવા વ્યવહાર કરતા અને રોકાણકારો સુધી પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ટૂંક સમયમાં આઇટી વિભાગ સત્તાવાર આંકડો આપશે
ચાર દિવસ સુધી ચાલેલો આ સર્વે હવે પૂર્ણતાના આરે છે આ અંગે ઇન્કમ ટેક્સ વિભાગે કબ્જે કરેલા દસ્તાવેજો, સીઝ કરેલા એકાઉન્ટ અને કરચોરીની રકમનો આંક઼ડો પ્રેસનોટના માધ્યમથી બહાર પાડશે. સૂત્રોના કહેવા પ્રમાણે આ આંકડો ખૂબ જ મોટો હોય શકે છે.
Published On - 5:47 pm, Fri, 27 August 21