ભારતમાં ખાદ્યતેલના ભાવમાં હોળી પછી છેલ્લા કેટલાક દિવસોમાં થોડી નરમાઈ જોવા મળી હતી, પરંતુ છેલ્લા પાંચ દિવસથી ફરી એકવાર તેના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો જઇ રહયો છે. જેથી મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. એક તરફ લગ્નનની સિઝન શરુ થઇ છે. ત્યારે આ સાથે ખાદ્ય તેલના (Edible oil) ભાવમાં ફરી વધારો થતા લોકો ચિંતામાં મુકાયા છે. રાજકોટમાં સિંગતેલના (groundnut oil) ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નજીક પહોંચવા આવ્યો છે.
મોંઘવારીની ચક્કી સામાન્ય માણસોનું તેલ કાઢી રહી છે. જીવન જરૂરી ખાવા-પીવાની ચીજવસ્તુઓમાં થતો બેફામ ભાવ વધારો જીવન કપરૂ બનાવી રહ્યો છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નજીક પહોંચવા આવ્યો છે. સિંગતેલનો ભાવ 2775ની નવી ઉંચાઈ પર પહોંચ્યો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં એક તરફ 10.50 લાખ ગુણી મગફળીની મોટી આવક થઈ રહી છે. આમ છતાં તેલના ભાવમાં થતો સતત વધારો ચિંતાની બાબત છે. સિંગતેલમાં કૃત્રિમ તેજી સર્જીને કેટલાક લેભાગુ તત્વો સામાન્ય પ્રજાને લૂંટી રહ્યાં છે. રાજ્ય સરકારે આવા લોકો સામે કડક પગલા લેવાની જરૂર છે.
બીજી તરફ અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. કપાસિયા તેલ, પામોલીન તેલ અને વેજીટેબલ ઘીમાં પણ 20થી 30 રૂપિયા વધ્યા છે. ત્યારે હવે સામાન્ય વર્ગ માટે ઘર ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે. બે વર્ષથી મગફળીનું વધુ ઉત્પાદન થવા છતા ભાવમાં વધારો યથાવત્ છે. લગ્નની સિઝન આવતા પહેલા આ ભાવ વધારો થયો છે. જેના કારણે સામાન્ય વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો થઇ રહ્યો હોવાનું મનાય છે. બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે. બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે.
બીજી તરફ ઇન્ડોનેસિયાની અસર ભારતમાં વર્તાતી હોવાનું મનાય છે. ઇન્ડોનેશિયામાં પામ ઓઇલની(Palm Oil)કટોકટીને કારણે ભારતમાં ખાદ્યતેલના ભાવ વધ્યા છે. વિશ્વમાં પામ તેલના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંના એક એવા ઈન્ડોનેશિયામાં પામ ઓઈલની અછત સાથે તે ખૂબ જ અલગ પ્રકારનું સંકટ છે.
આ પણ વાંચો-Jamnagar: ગુજરાતમાં તૈયાર થશે WHOનુ GCTM, આ કેન્દ્રનુ શા માટે છે વિશેષ મહત્વ અને શુ થશે ફાયદા? જાણીએ