રાજકોટના ધારાસભ્ય (MLA) ગોવિંદ પટેલે પોલીસ પર ગંભીર રીતે આક્ષેપો કર્યા બાદ પોલીસ (Police) બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. જો કે આ બધાની વચ્ચે રાજકોટ પોલીસ કમિશનર (Rajkot Police Commissioner) તરીકે મનોજ અગ્રવાલે કરેલી ત્રણ વર્ષની કામગીરી ઉજાગર કરતી પોસ્ટ હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે.
રાજકોટની જનતાના નામથી વાયરલ થયેલી પોસ્ટમાં પોલીસ કમિશનરની કામગીરીના વખાણ કરવામાં આવ્યા છે. જ્યારે તેના પર આક્ષેપો કરનારાઓની સામે સવાલો ઉભા કરવામાં આવ્યા છે. ઉપરથી એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમણે કરેલા કામો ગણાવવા બેસીએ તો તે ઓછા પડે તેમ છે… આ છે તે પોસ્ટના અંશો.
લાખો પુસ્તકો વાંચી, હજારો કરોડો લોકોમાંથી પસંદગી પામી, દેશ ,રાજ્ય અને જનતાની સેવા કરતા એક સુશિક્ષિત અને ઉંચ અધીકારી પર આંગળી ચીંધવી કે આક્ષેપો કરવા ખૂબજ સહેલા હોય છે. છેલ્લા ત્રણ વર્ષમા આજ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના વડપણ હેઠળ રાજકોટ શહેર પોલીસે કરેલ ઉમદા કાર્યો જોઇએ તો ભુલાય તેમ નથી. કોરોના જેવો કપરો કાળ હોય અને લોકડાઉન લાગેલુ હોય ત્યારે આ જ શહેરની પોલીસે દિવસ રાત એક કરી લાખો લોકોના જમવાની વ્યવસ્થા કરેલ તે રાજકોટ શહેર પોલીસનુ માનવીય કાર્ય કેમ ભૂલી શકાય ?
કોરોનાથી આપણે સંક્રમિત ન થાય તેના માટે પોતાની જાન તથા પરીવાર ની પરવા કર્યા વગર બંદોબસ્તમા રોડ ઉપર રાત-દિવસ, તડકો-છાંયડો જોયા વગર રાજકોટ પોલીસે કરેલ કામગીરી કેમ ભુલી શકાય ? કોરોના જેવા કપરા કાળમા ઇંજેકશન જેવી જરૂરી ચીજવસ્તુની કાળાબજારી કરતા ઇસમોને તુરંત પકડી કાયદાનુ ભાન કરાવેલ એ કાર્ય આપણે કેમ ભૂલી શકીએ ? લાખો રૂપીયાની ચોરી હોય, લૂંટ હોય, ધાડ હોય, કે પછી ખૂન હોય આવા ગુનેગારોને ગણતરી ની કલાકોમા પકડી,જેલના સળીયા દેખાડી રાજકોટ શહેરની જનતાને સુરક્ષાની ભાવના પુરી પાડતા આવા રાજકોટ શહેર પોલીસના કાર્યોને કેમ ભૂલી શકાય ?
આજે રાજકોટ શહેરની અંદર રાત્રીના સમયે આપણી બહેન દીકરીઓ સુરક્ષીત રીતે હરી ફરી શકે તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે નારી સુરક્ષા માટે દુર્ગા શક્તિ જેવી ટીમો બનાવેલ તે એમનુ ઉમદા કાર્ય કેમ ભૂલી શકીએ ? લોકોની જાન-માલની રક્ષા માટે આખા રાજકોટ શહેરને ટેકનોલોજીથી અપગ્રેડ કરી, શહેરમા ચારો તરફ સીસીટીવી કેમેરા લગાડી, “આઇ વે પ્રોજેક્ટ” જેવો અદ્યતન પ્રોજેક્ટ રાજકોટ શહેરની જનતા ને અર્પણ કરવાનુ કાર્ય આપણે કેમ ભૂલી શકીએ ?
મિત્રો આવુ લખીએ તો રાજકોટ શહેર પોલીસ અને પોલીસ કમિશ્નર માટે લખવા માટે ઘણુ બધુ સારૂ છે પણ આપણે આપણા સ્વભાવથી લાચાર છીએ. ખરેખર આક્ષેપોના ખરા કારણો જાણ્યા વગર બોલવુ સમાજ કે જનતા માટે હિતાવહ હોતુ નથી. ઘણીવાર જે નરી આંખે દેખાતુ હોય છે તે સત્ય હોતુ નથી અને જે સત્ય હોય છે તે નરી આંખે દેખાતુ નથી
આપણી કઠણાઇ એ છે કે સત્ય જાણ્યા વગર આપણે સૌ વાતોના પ્રવાહમા તણાઇ જઇએ છીએ અને ઘણીવાર એક કર્તવ્યનિષ્ઠ,ઇમાનદાર અને સમાજમા ફેલાયેલા લાખો-કરોડો દુષણો સામે જજુમી રહેલી વ્યક્તિને ગુમાવી બેસીએ છીએ.
સકારાત્મક વસ્તુઓ ભુલી જઇ, નકરાત્મક વસ્તુના એક તણખલા પાછળ વહી જઇ સમાજ અને જનાતાને ઘણીવાર ગાડરીયા પ્રવાહ ની જેમ ગેર માર્ગે દોરી જઇએ છીએ. કોઇ બુધ્ધીશાળી માણસે સાચુ જ કહ્યુ છે “વ્યક્તિગત ગાંડપણ જુજ હોય છે પરંતુ સમુહમા સામાન્ય હોય છે”.
લી.
રાજકોટ શહેરની જનતા
આ પણ વાંચોઃ Letter bomb-સોની વેપારીની વ્યથા, કલાકો સુધી ક્રાઇમ બ્રાન્ચમાં બેસાડી રાખતા, પીઆઇએ લાફા ઝીંક્યા
આ પણ વાંચોઃ Inside story: IPS અધિકારીઓની બદલી પહેલા લેટર બોમ્બ થકી રાજકોટ પોલીસ કમિશનરનું રાજકીય “એન્કાઉન્ટર” કરાયું?