ટ્રાફિક પોલીસ સાથે દંડની રકમ વખતે વાહનચાલકોને અવારનવાર થતા ઘર્ષણ નિવારવા તેમજ વીઆઈપી બંદોબસ્તમાં નેતાઓ સાથેના વિવાદ ટાળવા માટે હવે રાજ્યનું પોલીસ તંત્ર અમેરિકાની ટેક્નોલોજીથી અતિ આધુનિક થવા જઈ રહ્યું છે. દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકારે 50 કરોડના ખર્ચે એક સાથે 10 હજાર બોડી વોર્ન કેમેરા પોલીસ તંત્રને ફાળવ્યા છે ત્યારે રાજકોટ (Rajkot City Police) શહેરમાં પણ 300 જેટલા કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેમને લઈ 500 વધુ ટ્રાફિક પોલીસ સહિતના અધિકારોની આજથી ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે જેમાં કઈ રીતે કેમેરાનો ઉપયોગ કરવો સહિતની માહિતી ટ્રેનિંગમાં આપવામાં આવશે.
ટ્રાફિક નિયમનું પાલન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને વી.વી.આઈ.પી. બંદોબસ્ત વખતે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ફરજ બજાવતા દરેક હેડ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ., પી.એસ.આઈ. સહિતના ફિલ્ડમાં રહેતા પોલીસ અધિકારી ડ્યુટી દરમિયાન પોતાના સોલ્ડર પર બોડી વોર્ન કેમેરા લગાવીને જ ફરજ બજાવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને લોકો વચ્ચે થતા ઘર્ષણ અટકાવવા માટે બોડી વોર્ન કેમેરાનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. આ કેમેરા દરેક પોલીસ કર્મચારીના શોલ્ડર પર લગાવવામાં આવે છે. આ કેમેરામાં 50- 60 મીટરના અંતરમાં થયેલી તમામ ગતિવીધીઓનું ઓડિયો – વીડિયો બંને રેકોર્ડિંગ થઈ શકશે. જે ઘર્ષણ કે આરોપ- પ્રત્યારોપની પરીસ્થિતીમાં મહત્વનો પુરાવો સાબિત થશે.
રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાના પોલીસને બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે. જેમાં અમુક કેમેરા લાઈવ રેકોર્ડીંગવાળા છે. ગાંધીનગર ખાતે બોડી વોર્ન કેમેરાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જે કેમેરાનું રેકોર્ડીંગ ગાંધીનગર કંટ્રોલરૂમ ખાતે બેઠા-બેઠા જ ઉચ્ચ અધિકારી લાઈવ નિહાળી શકશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસને આપવામાં આવેલા કેમેરાનું રોજે રોજનું રેકોર્ડીંગ ટ્રાફિક બ્રાંચ ખાતે ઉભા કરાયેલા કંટ્રોલ રૂમમાં તેનો ડેટા વેબમાં આવશે. તેમજ કોમી રમખાણો, વીવીઆઈપી સુરક્ષા, રેલી, જૂથ અથડામણ જેવી ઘટનાઓનું ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમમાંથી લાઈવ જોઈ શકાશે અને ત્વરીત એક્શન લેવામાં ઉપયોગી થઈ શકશે.
અનેક કિસ્સામાં નાગરિકો દ્વારા પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરાયાની ફરિયાદો આવતી હોય છે ત્યારે આ કેમેરામાં પોલીસે કોઈ ગેરવ્યાજબી વાત કરી અથવા તો લાંચ વગેરેની વાત કરી હોય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ગુજરાત પોલીસના આ કેમેરા દેશમાં પ્રથમ વખત થયેલો પ્રયોગ છે.