ગુજરાતીમાં એક કહેવત છે ધર્મ કરવા જતા ઘાડ પડી, કંઇક આવું જ થયું છે રાજકોટ (Rajkot) માં શહેરના થોરાળા વિસ્તારમાં બન્યું છે. લારી પર આવેલા લોકોનો મોબાઈલ (mobile) ચોરવાની કોશિશ કરી રહેલા ચોર (thief) ને લારી માલિકે ઠપકો આપતાં 6 સગીર સહિત 11 લોકોએ ઠપકો આપનાર વ્યક્તિની હત્યા (Murder) કરી નાખી હતી. પોલીસ (Police) ગણતરીની કલાકોમાં જ હત્યારાઓને શોધીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલા આજી વસાહત ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મંગળવારની રાત રક્તરંજીત થઇ હતી. આ વિસ્તારમાં ઇંડાની લારી ચલાવતા સલીમ ઉર્ફે સાજીદ કુરેશીને ત્રણ બાઇકમાં આવેલા 11 જેટલા શખ્સોએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવની જાણ થતા પોલીસે તપાસ શરૂ હતી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી.
દરમિયાન પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક સલીમે અગાઉ એક મોબાઇલ ચોરને પકડી પાડ્યો હતો જેને આધારે પોલીસે એ સગીર મોબાઇલ ચોરની શોધખોળ શરૂ કરી જેમાં હત્યા પાછળ આ જ ટોળકી હોવાનું સામે આવ્યું જેના આધારે પોલીસે છ સગીર ઉપરાંત બહાદુર ચૌહાણ અને શૈલેષ ચૌહાણ નામના શખ્સોને પકડીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે જ્યારે આ કેસમાં હજુ પણ આશીફ ઉર્ફે પોપટ શામદાર, શાહરૂખ આમરોલિયા અને સાહિલ ઘુમાલિયા પોલીસ પકડથી દૂર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે. પરિવારજનોનું કહેવું છે કે મોબાઇલ ચોરને ઠપકો આપવા જતાં આ હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.
પોલીસના કહેવા પ્રમાણે મૃતક સલીમ આજી જીઆઇડીસી વિસ્તારમાં ઇંડાની રેકડી ખોલી રહ્યો હતો ત્યારે ત્યાં પરપ્રાંતિય મજૂરો આવ્યા હતા. દરમિયાન એક સગીર ગઠિયો ત્યાં આવીને આ પરપ્રાંતિય મજૂરનો મોબાઇલ લેવાની કોશિશ કરી રહ્યો હતો જેથી મૃતક સલીમે તેને ઠપકો આપ્યો હતો અને મૃતક અને સગીર ગઠિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઇ હતી અને અંતે સલીમે આ ગઠિયાને પોલીસને સોંપી દીધો હતો. જેનો ખાર રાખીને સગીર તેના સાગ્રીતોને લાવ્યો હતો અને શા માટે તેની સાથે આવું વર્તન કર્યું તેવું કહીને તેના પર છરી વડે હુમલો કર્યો જેમાં છરીના તિક્ષ્ણ ધા લાગી જતા સલીમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
હાલ તો પોલીસે આ અંગે સગીર સહિત 8 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે આ કેસમાં ફરાર ત્રણ આરોપીઓની પણ શોધખોળ શરૂ કરી છે. એક વ્યક્તિની મદદ કરવા જતા સલીમને મોત મળ્યું છે જેના કારણે સલીમના પરિવારજનોમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ રાજકોટ: ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર સામે બળવો
Published On - 6:07 pm, Wed, 9 March 22